ગાંધીનગરઃ ગુજરાતની વિવિધ ત્રાસદીઓ અને દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવાની જાહેરાત સાથે 9 ઓગસ્ટથી ગુજરાતમાં નીકળેલી ન્યાયયાત્રામાં મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાના પીડિતોએ ન જોડાવવાની જાહેરાત કરી. આ પછી કોંગ્રેસની ન્યાયયાત્રામાં નેતાઓ ગણ્યાગાંઠ્યા લોકો સાથે યાત્રા આગળ વધી રહ્યા છે, જો કે ન્યાયયાત્રાને જોઈએ તેવો પ્રતિસાદ ન મળતાં તે લગભગ ફ્લોપ રહી છે. આ કારણસર અગાઉ કરાયેલી જાહેરાત મુજબ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હવે ગુજરાત નહીં આવે. તેમને બદલે ન્યાયયાત્રાના સમાપન સમારોહમાં 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવે તેવી શક્યતા છે. અલબત્ત હજુ
સુધી કોંગ્રેસે આ મુજબની સત્તાવાર જાહેરાત કરી નથી.
સમગ્ર ન્યાયયાત્રાનું આયોજન
કોંગ્રેસના વડગામ ખાતેના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, સેવાદળના નેતા લાલજી દેસાઈ અને પાલ આંબલિયાએ ભેગા મળીને કર્યું હતું. આ માટે આ ત્રણેય નેતાઓ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ એક મહિનાથી વધુ રાજકોટમાં જ રોકાયા અને તેમની આગેવાનીમાં જ સફળ બંધ પણ પળાયો હતો.