ભારતમાં એમપોક્સને લઈ એલર્ટ

Wednesday 21st August 2024 06:19 EDT
 
 

એમપૉક્સના રોગચાળાને લઈને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને બંદરો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હોસ્પિટલોમાં એમપૉક્સ માટે નોડલ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

• નેપાળ ભારતને 1000 મેગાવોટ વીજળી આપશેઃ જયશંકરઃ વિદેશમંત્રી એસ. જયશંકરે નેપાળના વિદેશમંત્રી સાથે મંત્રણા બાદ જાહેરાત કરી હતી કે નેપાળ ભારતને 1000 મેગાવોટ વીજળીની નિકાસ કરશે. બંને દેશ સહયોગ વધારશે.

• ઉધમપુરમાં CRPF કાફલા પર આતંકી હુમલોઃ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી આતંકી હુમલો થયો છે. અહીં સીઆરપીએફની ટીમ પર હુમલો થતાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે.

• 5G ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશીઃ સીતારમણ: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારતની 5G ટેક્નૉલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે. 5G ટૅક્નૉલોજી બીજે ક્યાંયથી ઉધાર લેવામાં આવી નથી. તેમણે આ સિદ્ધિને દેશ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. હવે અમારું આગળનું પગલું 6G તરફ હશે.

• મહાકુંભના મેળામાં 75 દેશના 25 કરોડ લોકો ઊમટશે: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા- જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થતા મહાકુંભ આડે પાંચ મહિના બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે.

• ભાજપનું 10 કરોડ લોકોને સભ્ય બનવવાનું લક્ષ્ય: ભાજપ 1 સપ્ટેમ્બરથી સભ્યપદ અભિયાન શરૂ કરશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલી બેઠકમાં 10 કરોડ સભ્ય બનાવવાનું લક્ષ્ય નિર્ધારણ કરાયું છે.

• ઉદયપુરમાં કોમી છમકલાં: રાજસ્થાનના ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચાકુ મારી દીધું હતું, જે બાદ તંગદિલી સર્જાતાં કર્ફ્યૂ લગાવી શાળાઓ બંધ કરાવી ઇન્ટરનેટ સેવા બંધ કરાવાઈ હતી.

• પૂર્વ વડાપ્રધાન વાજપેયીને પીએમની શ્રદ્ધાંજલિઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે તેમના સમાધિસ્થળ સદૈવ અટલ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.


comments powered by Disqus