‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિની વડાપ્રધાન મોદીજીની મુલાકાત

- જ્યોત્સના શાહ Wednesday 21st August 2024 07:43 EDT
 
 

ગુરૂવાર તા.૨૫ જુલાઇના રોજ ભારતના પાટનગર નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવન (ન્યુ પાર્લામેન્ટ હાઉસ) માં વડાપ્રધાનના કાર્યાલયમાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિને પોતાની વ્યસ્તતા વચ્ચે સમય ફાળવી આપેલ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને યાદગાર બની ગઇ.
નવા હાઉસ ઓફ પાર્લામેન્ટમાં પ્રવેશદ્વારે પહોંચતા જ કડક સિક્યોરિટી બંદોબસ્ત. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સિક્યોરિટી ગાર્ડસ, પોલીસ અધીકારી, વડાપ્રધાનના અંગત સચિવ, ગાઇડ સહિતના સૌ કોઇમાં ખૂબ જ ઉચ્ચ કક્ષાનું પ્રોફેશ્નલાઝીમ જોવા મળ્યું. બધી જ જરૂરી વિધિમાંથી પસાર થઇ અમે નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા.
એ ભવ્ય ઇમારત ભારતીય સ્થાપત્ય કલાનો માસ્ટરપીસ છે. ભારત માત્ર સ્વતંત્ર જ નહિ સ્વાયત્ત પણ બન્યું છે એની સાક્ષી સમુ આ સંસદ ભવન વેદકાલથી માંડી આજ સુધીના આપણા સમૃધ્ધ ઐતિહાસિક વારસાને સમેટીને બનાવાયું છે.
વડાપ્રધાનના કાર્યાલય સુધી અમે એ નિહાળતાં જ રહ્યાં. વડાપ્રધાનના કાર્યાલયની બહાર પણ સંખ્યાબંધ અધિકારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. એમના ચહેરા પર કાર્યનિષ્ઠા, વર્લ્ડ લેવલનું પ્રોફેશ્નાલીઝમ ગૌરવ ઉપજાવે તેવા હતા. એક સક્ષમ નેતાગીરીનું પ્રતિબિંબ એમાં ડોકાતું હતું.
નિર્ધારિત સમય મુજબ ૧૨.૨૭ વાગ્યે અમને વડાપ્રધાનની ઓફિસમાં લઇ જવા એક અધિકારી આવ્યા. ઓફિસીઅલ ફોટોગ્રાફર સાથે અમે ઓફિસમાં પગ મૂકયો. મોદીજીએ “આવો જ્યોત્સનાબહેન’ કહી મીઠો આવકાર આપ્યો ત્યારે આશ્ચર્ય સાથે ધન્યતાનો અનુભવ થયો. એમની યાદશક્તિને દાદ દેવી ઘટે. ભારત જેવી વિશ્વની સૌથી મોટી લોકશાહીના ઉચ્ચ હોદ્દે બિરાજેલ વ્યક્તિનો મેમરી પાવર, નમ્રતા, આતિથ્ય ભાવ અને આત્મીયતા સ્પર્શી ગયા. તેઓ એમના દિવસની શરૂઆત યોગાથી કરે છે જેથી તન-મન મજબૂત બને અને દૈનિક વ્યસ્તતા દરમિયાન શાંત ચિત્ત મન:સ્થિતિ જળવાઇ રહે.
૯ જુન ૨૦૨૪ના ત્રીજી ટર્મમાં ભા.જ.પ. વિજયી બન્યા બાદ વડાપ્રધાને શપથ ગ્રહણ કર્યા અને જુલાઇમાં અમારી એમની સાથેની મુલાકાત. સૌ પ્રથમ અમે મોદીજીને પુન: સત્તાના સૂત્રો સંભાળવા બદલ અભિનંદન આપ્યા. એમની તેજોમય આભા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ચહેરા પરની સ્વસ્થતા, નખશિખ અપટુડેટ પર્સનાલીટી, ખૂબ જ વ્યવસ્થિત કાર્યાલય. હકારાત્મક વાતાવરણ આ બધું સંમોહનકારી હતું.
તેઓશ્રીને મળતા જ વરિષ્ઠ પત્રકાર શીલાબહેન ભટ્ટે કહેલ વાત યાદ આવી ગઇ. ઓગષ્ટ ૨૦૨૩માં તેઓ લંડન આવ્યા ત્યારે તંત્રીશ્રી સી.બી.પટેલે એમને ‘પ્રધાનમંત્રી મોદીજી’ વિષે વાર્તાલાપ કરવા આમંત્ર્યા હતાં. શીલાબહેને કેટલીય કહી-અણકહી વાતો કહી હતી. ૧૯૮૧માં તેઓ યુવા પત્રકાર બન્યા ત્યારે પ્રથમ વખત મોદીને મળ્યાં એ વિષે જણાવેલ સંવાદનો અંશ: ‘પહેલી મુલાકાતમાં એ યાદ રહી જાય તેવો માણસ હતો. એ પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કરતા હતા અને આર.આર.એસ.માં સક્રિય હતા. ઓવર ઓલ વાત કરૂં તો તેઓ ખૂબ વાંચતા. તેમને કોઇપણ વિષય પર સવાલ પૂછો, જવાબ હાજર જ હોય. તેમનો ઓબ્ઝર્વેશન પાવર સાયકોલોજીસ્ટ, પોલીસ ઓફિસર, જાસૂસો, સ્ક્રીપ્ટ રાઇટર અને નોવેલીસ્ટો જેટલો સારો હતો.’
હોદ્દાના કોઇપણ ગર્વ વગર સામાન્ય જન સાથે સામાન્ય બની આસાનીથી સંપર્ક સાધી એમને મળનાર વ્યક્તિને પોતે વિશેષ હોવાની અનુભૂતિ કરાવે એવા આપણા માદરે વતન ભારતના વડાપ્રધાન સાચા અર્થમાં જ લોકનેતા છે.
ઔપચારિક વાતો કરી અમે રાઉન્ડ ટેબલ પર ગોઠવાયાં. અમારા સંવાદમાં સામેલ હતી આગલા દિવસની બ્રિટનના વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ લીધેલ ભારતની મુલાકાત. તેમણે જણાવ્યું કે, ‘ભારત, યુ.કે.સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા કટિબધ્ધ છે. બન્ને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરારને ઝડપથી પૂરો કરવાની ઇચ્છાને આવકારીએ છીએ’ એ જ રીતે આગલા દિવસે એમની સરકારના રજૂ થયેલ સર્વાંગી બજેટની પણ વાત કરી. વિકસિત ભારતની દિશામાં આગેકૂચ કરનાર આ બજેટ છે. જેમાં સાંસ્કૃતિક ધરોહરને વધુ સંગીન બનાવવા પર પણ ધ્યાન અપાયું છે.
સરકારના આ બજેટના ઇતિહાસમાં પહેલી વખત જૈન તીર્થને વિકસાવવા માટે ફંડ ફાળવવામાં આવ્યું. બિહારમાં આવેલ રાજગીરી તીર્થ-જૈનોના ૨૦મા તીર્થંકર મુનિસુવ્રત સ્વામિના અતિપ્રાચીન જૈન મંદિરના વિકાસ માટે બજેટ ફાળવાયું એ માટે એક જૈન તરીકે મેં મોદીજીને અભિનંદન આપ્યા.
મારી ૧૩ વર્ષની દોહિત્રીએ મોદીજીને પ્રશ્ન પૂછયો કે,
‘વડાપ્રધાન બનવા માટેની સૌથી મહત્વપૂર્ણ કઇ ક્વોલીટીસ હોવી જરૂરી છે?
એક જ શબ્દમાં જવાબ ‘અનુભવ’ આપ્યા બાદ ઉમેર્યું કે, પોલીટીક્સમાં બહોળો અનુભવ કામ લાગે છે. (૧૯૭૧થી આર.આર.એસ.માં ફુલ ટાઇમ કાર્યકર તરીકે જોડાયા ત્યારથી વિકાસની દિશામાં આગે કદમ કરતા જ રહ્યા.) ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો લાંબા અનુભવે વહિવટીય કુશળતા અને સૌ સાથે કામ કરવાની કુનેહ કેળવાઇ. ભારત ખૂબ મોટો દેશ છે. એની વિવિધતામાં એકતા સાધવી એ કપરૂં કામ છે. જે અનુભવે જ શીખવા મળે.
આ ત્રીજી ટર્મમાં મોદીજી “ટેકનોલોજી ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપ્લોમસીને વધુ ઊંચાઇએ લઇ જઇ ભારતને વિશ્વનું પાવર હાઉસ બનાવવાની આશા રાખે છે. એમણે હાથ ધરેલ વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ ‘આયુષ્યમાન’ અનેક ભારતીયોના જીવનમાં નવી આશા જન્માવે છે.
 દેશના વિકાસમાં મોદીજીનું વીઝન, નેતૃત્વ, ફરજ પરસ્તિ, કર્તવ્ય નિષ્ઠા અને પરિણામે મેળવેલ અસંખ્ય સિધ્ધિઓની અમે ખુલ્લા મને સરાહના કરી.
આવા ડાયનેમીક, ડેડીકેટેડ અને ડીટરમીન્ડ એવા પ્રધાનમંત્રી મોદીજીની ૧૦ મિનિટની મુલાકાત જીવનનું સંભારણું બની ગઇ. આ પ્રસંગે મારૂં પુસ્તક ‘જીવન એક, સૂર અનેક’ અને મારા જમાઇ મનીષના પિતાશ્રી, રાજસ્થાનના પૂર્વ ડી.જી.પી. સ્વ.પી.રચોયાનું પુસ્તક ‘Information Technology Law & Cyber Crimes’ મોદીજીને સાદર કર્યા જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો.
અમારી મુલાકાતના સમાપનમાં અમને ‘હાઉસ ઓફ પાર્લામેન્ટની મુલાકાત લેવાનું મોદીજીએ સૂચવ્યું.
પ્રધાનમંત્રીના પાવરફુલ પર્સનલ કનેક્શનનું માધ્યમ ‘મનકી બાત’ નજર સમક્ષ આવી જ જાય. દુનિયાના કોઇપણ દેશના વડા પાસે જનસંપર્કની આવી અનોખી દ્રષ્ટિ નહિ હોય! એમની આગવી વિશેષતાને કારણે જ વિશ્વમાં જ્યાં જ્યાં મોદીજી જાય છે ત્યાં ત્યાં પોતાનું સ્થાન ઉભું કરવામાં સફળ થાય છે. પરિણામે અનેક દેશના પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજાતા રહે છે.
તાજેતરની ‘મનકી બાત’માં મેથ્સમાં વિશ્વ ચેમ્પીયન બનીને આવેલ દેશના યુવાનો સાથે તેમણે સાધેલ સંવાદ પ્રેરણાદાયી હતો. એ હોય કે ઓલમ્પીકમાં વિજયી બનેલ રમતવીરો હોય કે પરીક્ષામાં બેસનાર વિર્ધાર્થીને માર્ગદર્શન, મહિલા સશક્તિકરણ હોય કે અન્ય વિષય સૌ કોઇને શાબાશી આપવાથી માંડી પ્રેરણા આપી એમનો ઉત્સાહ બેવડાવવામાં પ્રધાનમંત્રીનું પ્રદાન અવર્ણનીય છે. જો આપે ‘મનકી બાત’નો પ્રોગ્રામ ન જોયો હોય તો જોવા જેવો છે. જેઓને ભારતના વિકાસમાં રસ છે તેઓ માટે પણ આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહેશે.
આ મુલાકાત કઇ રીતે શક્ય બની એ સવાલ સ્વાભાવિક રીતે જ કેટલાયના મનમાં આવે? એનો જવાબ આ રહ્યો!
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’
સાથેના દીર્ઘકાલીન સંબંધો
 આર.આર.એસ.માં કાર્યકર તરીકે મોદીજી ૧૯૭૯માં દિલ્હી ગયા બાદ ૧૯૮૫માં ભા.જ.પ.એ તેમને આગળ કર્યા એ વખતે તેમણે ૧૯૮૬માં લંડનની મુલાકાત લીધી હતી. અમારા તંત્રી મંડળમા ચંદ્રકાન્તભાઇ શુક્લ સંઘના પ્રચારક તરીકે અગાઉ મોદીજી સાથે સક્રિય હતા. ભા.જ.પ.લંડન ખાતેના બી.જે.પી.ના પ્રેસિડેન્ટ સ્વ.અનિલ પોટા સાથે મોદીજી ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં પધાર્યા એ વખતે એમનો ઇન્ટરવ્યુ લેવાનો મોકો મળેલ. ત્યારબાદ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી ૨૦૦૩માં ઓગષ્ટમાં લંડન આવ્યા હતા એ વેળાએ ‘ગુજરાત સમાચાર’ અને “એશિયન વોઇસ’કાર્યાલયના ‘કર્મયોગા’ હાઉસના શક્તિ હોલનું ઉદ્ઘાટન બુધવાર ૨૦ ઓગષ્ટના રોજ મોદીજીના વરદ્ હસ્તે થયું એ સમયે પણ ગોષ્ઠી કરવાનો અવસર મળ્યો હતો. ગુજરાતની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષમાં પણ ગાંધીનગરમાં મળવાનું થયું હતું.
મોદીજી વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર લંડન આવ્યા અને વેમ્બલીના વિશાળ સ્ટેડિયમમાં વિરાટ માનવમેદનીના સંબોધનમાં તેમણે એક માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો. એ અમારા તંત્રીશ્રી સી.બી.પટેલનો! એમણે જણાવ્યું, ‘મારા મિત્ર સી.બી. પટેલ લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ શરૂ કરાવવા મારી પાછળ પડી ગયા હતા. એ કરાવીને જ જંપ્યા. બે વર્ષ અગાઉ બિનનિવાસી ભારતીયોને અપાતા એવોર્ડ્સમાં સંસ્કૃતિના વાહક તરીકે શ્રી સી.બી.પટેલને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજ્યા હતા. આમ લગભગ ચારેક દાયકાથી મોદીજીની રાજકીય કારકિર્દીનો ગ્રાફ ઊંચાઇને આંબતો આપણે સૌ જોઇ રહ્યાં છે. ભારતનું ભાગ્ય છે કે આવા દૂરંદેશી, વિચક્ષણ, કાર્યદક્ષ, પારદર્શક નેતા મળવાથી ભારત અને ભારતીયો વિશ્વમાં સન્માનીત બન્યાં છે.
ભારતીય સાહિત્ય-સંગીત-કલાના વૈવિધ્યની પ્રતિકૃતિ સમું અદ્ભુત નવું સંસદ ભવન
ત્રિકોણાકાર પાર્લામેન્ટ બિલ્ડીગનના નવા ભવનનું ઉદ્ઘાટન ૨૮ મે’૨૩ના રોજ થયું હતું. ભારતીય સંવિધાનની મૂળ પાંડુલિપિ પર આચાર્ય નંદલાલ બોસે શાંતિનિકેતનમાં પ્રતિભાશાળી કલાકારો સાથે મળીને કેટલાક ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા હતા તેમાંથી ૧૬ ચિત્રોની પ્રતિકૃતિઓને ભીંતચિત્રોના રૂપમાં દર્શાવાઇ છે.
દેવો અને દાનવો વચ્ચે થયેલ સમુદ્ર મંથનનું ભીંત ચિત્ર કમ્બોડિયાના અંકોરવાટ મંદિરમાંથી પ્રેરણા લઇ બનાવ્યું છે. જે સૈકાઓ જૂના ભારતના સાઉથ ઇસ્ટ એશિયન દેશો સાથેના સાંસ્કૃતિક વારસાને જોડતી કડી સમાન છે. મંથનના વિવિધ અર્થ ઘટન થાય છે.
 જળમાંથી નીકળે છે પૃથ્વી, સભ્યતાઓ પૃથ્વી પર જન્મ લે છે, સભ્યતાઓમાં ઉભરે છે વિચાર, વિચારોમાં થાય છે મંથન અને વિચારોના મંથનથી બને છે સહમતિ અને સહમતિ પર ચાલે છે જનતંત્ર. લોકશાહીના મૂળ મંત્રનો મહિમા એમાં દર્શાવાયો છે.
ભારતની કલા, સંસ્કૃતિ, ધર્મ અને સ્વાતંત્ર્યનો ઇતિહાસ આદીનો સમન્વય અદ્ભૂત રીતે આ ત્રણ ગેલરીઓમાં કરાવાયો છે.
 મધ્યમાં ઝૂલતું પેન્ડુલમ ફરતી પૃથ્વીનું પ્રતીક છે જે એની દિશા બદલતું રહે છે. એની ઊંચી છત પર ભારતના પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની રાતના આકાશના ગ્રહોની જે સ્થિતિ હતી તે રાતનું દ્રશ્ય ઊભું કરાયું છે.
 ‘વસુધૈવ કુટુમ્બકમ્’ નો શ્લોક બાજુની દીવાલ પર મૂક્યો છે. જે ભારતીય પરંપરાના ઉદાત્તતાનો સૂચક છે.
ત્રણ દિશામાં ત્રણ પ્રોજેક્ટ ગેલરીઓ. સંગીત ગેલરી. સ્થાપત્ય ગેલરી અને શિલ્પ ગેલરી. ભારતના બધા જ રાજ્યોની ભરત કલા, કાષ્ટ કલા, મૂર્તિ કલા, ચિત્રકલા, નૃત્યકલા, હસ્તકલા, યુનેસ્કોમાં સમાવિષ્ટ સાઇટ્સ જોતાં સમગ્ર ભારતીય સંસ્કૃતની સમૃધ્ધિનો અણસાર આવી જાય છે.
સંગીત ગેલેરીમાં શાસ્ત્રીય સંગીતના વાદ્યો મુકાયા છે તે સુવિખ્યાત કલાકારોએ ભેટમાં આપેલ છે. જેમાં ઉસ્તાદ અમજદઅલી ખાન, પં. હરિપ્રસાદ ચૌરસિયા, પં. રવિશંકર, પં.શિવકુમાર શર્મા અને ઉસ્તાદ બિસમિલ્લાખાનના વાદ્યો પ્રદર્શિત કરાયા છે.


comments powered by Disqus