ભરૂચઃ 143 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રિવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ પર ટકેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહનવ્યવહાર માટે અવિરત અડીખમ રહી ધમધમી રહ્યો છે. કોસ્મોપોલિટન કલ્ચર ધરાવતું કાશિ કરતાં પણ ભારતની 8000 વર્ષ પ્રાચીન ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકારે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડિયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં બ્રિટિશ રાજ બાદની સરકારોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજને સાકાર કરવામાં 43 વર્ષનો સમય લાગ્યો છે.
ગોલ્ડન બ્રિજની ડિઝાઇન સર જોન હોકશા દ્વારા બનાવવામાં આવી હતી, જેનું બાંધકામ ટી. વ્હાઇટ અને જી.એમ. બેલી દ્વારા થયું હતું. ચીફ રેસિડન્ટ એન્જિનિયર એફ. મેથ્યુ અને રેસિડેન્ડ એન્જિનિયર એચ.જે. હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16મે 1881 ના રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો, જે બાદ 1940 માં સિલ્વર જ્યુબિલી રેલવે બ્રિજનું નિર્માણ કરાતાં ગોલ્ડન બ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજના નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદા બ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.
ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રિજ 400 કરોડના ખર્ચે બે વર્ષથી કાર્યરત્ છે. નવા ફોર લેન બ્રિજ બાદ પણ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ લાઇટ વાહનો માટે સતત કાર્યરત્ છે.