અમદાવાદઃ ભારતમાં ત્રાસવાદી હુમલો કરવા માટે પ્રથમ વખત શ્રીલંકન નાગરિકોનો ઉપયોગ થયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાત એટીએસે સોમવારે કોલંબોથી ચેન્નાઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચેલા 4 ત્રાસવાદીને એરપોર્ટ પરથી જ પકડી લીધા હતા. તેમની પાસેથી પોલીસે મોબાઇલ જપ્ત કર્યા હતા. જેમાં રહેલી વ્હોટ્સએપ ચેટના આધારે નાના ચિલોડા પાસેથી 3 પાકિસ્તાની બનાવટની પિસ્તોલ, 20 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. માત્ર તમિલ ભાષા જ સમજતા આ ચારેયની પૂછપરછ ચાલી રહી છે.
આ ચારેય આતંકી કયાં-કયાં સ્થળે ત્રાસવાદી કૃત્યને અંજામ આપવાના હતા અને નાના ચિલોડા પાસે પિસ્તોલ અને કારતૂસ કોણે મૂક્યાં તે હજુ રહસ્ય જ છે. આ સિવાય તેમાં સ્થાનિકો સામેલ છે કે નહીં, એરપોર્ટ પરથી આ ચારેય ક્યાં પહોંચવાના હતા અને ક્યાં રોકાણ કરવાના હતા તેની વિગતો પૂછપરછમાં સામે આવશે.
બાતમીના આધારે ઝડપાયા આતંકી
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલા શ્રીલંકાના 4 યુવકો ટ્રેન કે વિમાનમાર્ગે અમદાવાદ આવવાના છે. આ સંવેદનશીલ બાતમીને આધારે એટીએસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા વિવિધ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. બાતમીના આધારે દક્ષિણ ભારતથી આવતી તમામ ફ્લાઇટ અને ટ્રેનના મુસાફરોની યાદી મગાવવામાં આવી હતી. જે બાદ ચોક્કસ કડી મળી હતી કે 4 શ્રીલંકન યુવકોએ કોલંબોથી અમદાવાદ આવવા માટે ટિકિટ બુક કરાવી હતી. જે ચેન્નાઈથી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ આવવા રવાના થયા હતા અને રવિવારે રાત્રે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના આધારે વિવિધ ટીમ બનાવીને મોહમ્મદ નુસરથ ગની (33), મોહમ્મદ નરફાન નૌફેર (27), મોહમ્મદ ફારિશ ફારુક (35), મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને તેમનો સામાન તપાસ કરતાં બે મોબાઇલ, વિવાદાસ્પદ સાહિત્ય અને આઇએસનો ઝંડો મળી આવ્યો હતો.
ચૂંટણી પરિણામના દિવસે હુમલાની યોજનાની શક્યતા
ગુજરાત એટીએસને આતંકીઓ પાસેથી ભાજપ, આરએસએસ અને અન્ય હિન્દુ સંગઠનોના નેતાઓનો ફોટો અને વિગતો મળી છે. ઇસ્લામિક સ્ટેટ વતી તેમને ટાર્ગેટ કરીને બદલો લેવા માટે ઉશ્કેરવામાં આવતા હતા. ત્યારે આગામી 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામોના દિવસે કોબાસ્થિત કમલમ અથવા અન્ય કોઈ સ્થળ આતંકી હુમલા માટે ટાર્ગેટ હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. એટીએસનાં સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીલંકન આતંકીઓ પાસેથી ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને હિન્દુ સંગઠનોને પાઠ ભણાવવા માટેના ઉશ્કેરણીજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ મોહન ભાગવત સહિત અન્ય નેતાઓની વિગતો હતી. તેમને ગુજરાતમાં મુસ્લિમો પર કરવામાં આવેલા અત્યાચારની વાત જણાવીને ઉશ્કેરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર
અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસના હાથે પકડાયેલા આતંકવાદી સંગઠન આઇએસ સાથે જોડાયેલા 4 શ્રીલંકન ત્રાસવાદીએ એટીએસના અધિકારીઓએ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. એટીએસએ રિમાન્ડ અરજીમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે ચારેય ત્રાસવાદીઓ ભારતમાં આતંકવાદી હુમલો કરવાના ઇરાદાથી અમદાવાદ આવ્યા હતા. આ ત્રાસવાદીઓ ભારતમાં ક્યારે અને કઈ જગ્યાએ હુમલો કરવાના હતા તે સહિતની માહિતી મેળવવાની છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ચારેય ત્રાસવાદીઓને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
પાકિસ્તાન અને શ્રીલંકાથી આઇએસઆઇએસનું નેટવર્ક
તપાસનીશ એજન્સી એટીએસ દ્વારા ખુલાસો કરાયો કે, આઇએસઆઇએસ આતંકીઓનો આકા અબુ શ્રીલંકાથી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. પાકિસ્તાનથી પણ આ નેટવર્કનું સંચાલન છે, જેથી આતંકવાદીઓ પાસેથી શ્રીલંકન અને પાકિસ્તાનથી ઓપરેટ થતાં નેટવર્કની માહિતી કઢાવવાની છે.