અંબાજીઃ વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના પથ્થરો ડસ્ટથી પીળા અને કાળા ડાઘવાળા થઈ ગયા છે, જેને વડોદરાની એક કંપની પાવર વોશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટથી નિઃશુલ્ક ચમકાવશે.
આ ટ્રીટમેન્ટની અસર એકથી દોઢ વર્ષ સુધી ટકશે. અંબાજી મંદિરનું મહત્તમ નવું જિર્ણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઈ હતી અને આખું અંબાજી મંદિરનું આરસ પથ્થરથી ચણતર શરૂ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જિર્ણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી મઢવાની કામગીરી પણ કરાઈ હતી. આ મંદિર અંબાજીથી નીકળતા માર્બલથી જ બનેલું છે. જો કે લગભગ 50 વર્ષથી આ મંદિરનો આરસ પથ્થર સમય સાથે પ્રદૂષણ અને મોસમના મારથી પીળા અને કાળા ડાઘવાળો થઈ ગયો છે. વારંવાર મંદિરે આવતા વડોદરાના એક માઇભક્તે મંદિરના પથ્થરને સાફ કરવા મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી.