અમદાવાદ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાશે

Wednesday 22nd May 2024 07:07 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટને પેસેન્જર્સ, VVIP મૂવમેન્ટમાં વધારો અને દાણચોરીના કિસ્સાઓને પગલે સંવદેનશીલ માનવામાં આવે છે. નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યૂરો દ્વારા અતિસંવેદનશીલ શ્રેણીમાં સમાવેશ કર્યા બાદ આવનારા દિવસોમાં એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાની કામગીરી હાથ ધરાશે.
થોડા દિવસ પહેલાં જ દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યૂરોના અધિકારીઓ તેમજ એરપોર્ટ ઓપરેટર્સ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં અતિસંવેદનશીલ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી બે ફેઝમાં કરાશે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના એરપોર્ટનો પણ સમાવેશ કરાયો છે. આ સ્કેનરથી દાણચોરી કરતા લોકો પર સકંજો પણ લાવી શકાશે. અતિસંવેદનશીલ શ્રેણીમાં આવતાં CISFના જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. પહેલાં એરપોર્ટ પર 1 હજાર જવાનો તહેનાત હતા, જે હવે વધીને 1,600 થયા છે.
થોડા સમયથી સોનું અને ડ્રગ્સની દાણચોરીના કેસમાં વધારો થયો છે, જેને પગલે કસ્ટમ સહિતની એજન્સીઓએ આ નેટવર્કને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ફુલ બોડી સ્કેનર્સની મદદથી દાણચોરી કરતા પેસેન્જર પકડાઈ જશે, ઉપરાંત આ નેટવર્ક પર અંકુશ પણ મેળવી શકાશે. જૂન મહિનામાં એરપોર્ટની વોલ પર ઇલેક્ટ્રિક ફેન્સિંગની કામગીરી પણ પૂર્ણ કરાશે.


comments powered by Disqus