નવી દિલ્હીઃ ઇરાનના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ રઇસીનું રવિવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું છે. હેલિકોપ્ટરમાં તેમની સાથે ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સહિત 9 લોકો સવાર હતા. સોમવારે ઈરાનના એક અધિકારીએ જણાવ્યું કે, રઇસી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે સંપૂર્ણપણે બળેલી હાલતમાં મળ્યું છે. ખરાબ હવામાનથી રાહત- બચાવકર્મીઓને દુર્ઘટનાની જગ્યા સુધી પહોંચવામાં ભારે મથામણ કરવી પડતી હતી.
સત્તાવાર રીતે દુર્ઘટનાનું કારણ ધુમ્મસવાળું વાતાવરણ અને વરસાદ ગણાવાય છે, જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આને ઈરાનના દુશ્મન ઇઝરાયલનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. સવાલ એટલા માટે પણ ઊઠી રહ્યા છે કે તાજેતરમાં હમાસ-ઇઝરાયલ વચ્ચેના તણાવમાં ઇરાન ખૂલીને હમાસનું સમર્થન કરી રહ્યું હતું. ઇઝરાયલે એમ પણ કહ્યું હતું કે, ઇરાને ગંભીર પરિણામ ભોગવવાં પડશે.
ષડયંત્રની થિયરી મામલે ઇઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે આ દુર્ઘટનામાં અમારી કોઈ ભૂમિકા નથી. ઉલ્લેખનીય છે કે રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતાં, જેમાંથી માત્ર તેમનું હેલિકોપ્ટર જ ક્રેશ થતાં સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.