કિર્ગિસ્તાનમાં ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો

Wednesday 22nd May 2024 08:14 EDT
 
 

બિશ્કેકઃ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 17મેની મોડીરાત્રે ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી છે. સ્થાનિક લોકો એ હોસ્ટેલમાં ઘૂસી ગયા, જ્યાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓને બહાર જવાની ના પાડી દીધી છે. પરિસ્થિતિને જોતાં પાકિસ્તાન દૂતાવાસે પણ વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવા સલાહ આપી છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેઓ આખા મામલા પર નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે 24x7 ઇમર્જન્સી નંબર 0555710041 જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિશ્કેકમાં 13મેએ ઇજિપ્ત અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઝઘડા બાદ સ્થાનિક કિર્ગિઝ વિદ્યાર્થીઓએ મેડિકલનો અભ્યાસ કરતા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંસામાં અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓનાં મોત થયાં છે.


comments powered by Disqus