રાજપીપળાઃ ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામસામે આવી ગયેલા ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ‘આપ’ના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તુતુ-મૈંમૈં પર આવી ગયા હતા. બોલાચાલી એટલી હદે ગઈ હતી કે જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો આ બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઊમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બન્યો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપ કાર્યકરો તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું.’ જો કે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાં જ ચૈતર સમર્થકો સાથે ત્યાં હાજર જ હતા.