ગેલેક્સી શો આયોજિત "દયાબેન ડોટ કોમ' ગુજરાતી નાટક લંડન સહિત યુ.કે.ભરના શહેરો-નગરોના રંગમંચ પર ધૂમ મચાવી રહ્યું છે. ગયા ગુરૂવારે એશિયન પબ્લીકેશન્સ ગ્રુપના કાર્યાલયમાં ઘેઘૂર અવાજ ને કાઠિયાવાડી લહેકા સાથે દયાબેનની પધરામણી થઇ હતી. આ દયાબેન એટલે ગુજરાતી રંગભૂમિ ઉપર ધમાકેદાર રમૂજી ડાયલોગ સાથે પ્રેક્ષકોને સતત હસાવનાર આ નાટકનાં મુખ્ય નાયિકા પ્રતિમા ટી. જેઓ લેડી અમિતાભ તરીકે પણ જાણીતાં છે. કાર્યાલયની મુલાકાત દરમિયાન પ્રતિમા ટી અને એમના સાથી કલાકારો સાથે સ-રસ વાર્તાલાપ થયો હતો એની કેટલીક ઝલક અત્રે રજૂ કરીએ છીએ.
“દયાબેન ડોટ કોમ" પાછળનું થીમ શું? આ નાટકમાં શું મેસેજ છે? એનો ઉત્તર આપતાં પ્રતિમાબહેને કહ્યું કે, “વુમન એમ્પાવર, એમાં મહિલા સશક્તિકરણ કરવાનો મેસેજ છે. નારીશક્તિનું સચોટ રૂપ એટલે "દયાબેન ડોટ કોમ". સ્ત્રી માત્ર ચાર દિવાલોમાં ગોંધાઈ રહેવા માટે નથી, સ્ત્રી હવે નિર્બળ નથી. ઇશ્વરે પુરુષ હોય કે સ્ત્રી દરેકને ટેલેન્ટ આપી છે ને સમય આવે એ ટેલેન્ટનો સદઉપયોગ થાય છે જ.
આપણા વતન ગુજરાતની મહિલાઓમાં સશક્તિકરણની જરૂર છે, ત્યાં આવા નાટ્યપ્રયોગ યોજાય છે? એનો ઉત્તર આપતાં પ્રતિમાબહેને કહ્યું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે "દયાબેન ડોટ કોમ' નાટ્યપ્રયોગ સૌ પ્રથમ અમદાવાદથી જ શરૂ થયા, મહિલા મંડળ દ્વારા આ નાટકના ૩૫ જેટલા શો થયા છે. અમદાવાદ અને મુંબઇમાં અત્યાર સુધીમાં આ નાટકના ૧૦૦થી વધુ શો થયા છે. યુ.કે. આવતા પહેલાં અમેરિકામાં અમે ૩૮ જેટલા શો કરી આવ્યા હવે કેનેડા જવાના છીએ. યુ.કે.માં ૨૪ દિવસમાં ૧૬ જેટલા શો થયા છે અને પબ્લીક ડિમાન્ડને કારણે ગેલેક્સી શોના નિર્માતા પંકજભાઇ સોઢા હજુ વધારે શોનું આયોજન કરી રહ્યા છે. ૨૦ જૂનથી :દયાબેન ડોટ કોમ"ના નાટ્ય પ્રયોગ કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને મલાવીના રંગમંચ પર પ્રસ્તુત થશે.
રંગમંચ પર ચારણી શૈલીમાં પડછંદી અવાજ અને રમૂજી વાકચાતુર્ય સાથે અભિનયનાં ઓજસ પાથરતાં રહો છો, આવો પડછંદી અવાજ કાઠિયાવાડી ધરાની નારીશક્તિનો જ હોય! ત્યારે પ્રતિમાબહેને કહ્યું કે, “મારું મૂળવતન જામનગર છે. ૧૯૭૫થી હું નાટ્યક્ષેત્રે અભિનય કરું છું. મારું પહેલું નાટક "પારકાં બૈરાં સૌને ગમે" એના મેં દેશવિદેશમાં ૩૫૦૦૦ શો કર્યા છે. ગુજરાતી રંગભૂમિ પર ૧૫૦થી વધુ નાટકોમાં મેં અભિનય આપ્યો છે. એમાં મારા ગુરૂ સ્વ. શ્રી બિમલ માંગલીયા કે જેમના થકી હું રંગદેવતાના ખોળે રમતી થઇ. છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું નામ છે એ ઇમ્તિયાઝ પટેલ, જેમણે અત્યાર સુધીમાં ૧૦૨ નાટકો લખ્યાં છે એમનો સહ્દય આભાર વ્યક્ત કરું છું. “દયાબેન ડોટ કોમ"ના ડાયરેક્ટર યુનુસ પટેલ કે જેમની સાથે કામ કરવાની મને ખૂબ મઝા આવે છે, યુનુસ પટેલ પણ “દયાબેન ડોટ કોમ'માં અભિનય કરે છે. “દયાબેન ડોટ કોમ'ના મારા સાથી કલાકારો છે મુનિરખાન પઠાણ, હિતેશ પારેખ, પ્રતિક જાદવ અને યોહાના વાચ્છાણી.
“દયાબેન ડોટ કોમ"ના મારા સાથી કલાકાર છે જીતુભાઇ કોટક. જેઓ છેલ્લા ૩૦ વર્ષથી મારી સાથે અભિનય કરે છે અને તેઓ અમારા "ખેલ રંગારા ગ્રુપ"ના પાર્ટનર છે. ગુજરાતી રંગભૂમિની એકમાત્ર પેર છે જેમણે પેરિસમાં આ નાટકના ત્રણ-ત્રણ શોમાં અભિનય કર્યો. યુ.કે.ની હાઉસ ઓફ પાર્લામેન્ટમાં પાંચ-પાંચ વાર બ્રિટીશ એમ.પી.ઓ દ્વારા સન્માનિત કરવામાં
આવ્યા છે.
આ વર્ષે ૭ મે ૨૦૨૪ના રોજ સન્માનિત કરાયા છે. ગયા વર્ષે "ટ્રાન્સ મિડિયા" દ્વારા ગયા વર્ષે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો. ગત એપ્રિલ ૨૦૨૪ના રોજ દાદા સાહેબ ફાળકે-ચિત્રાનગરી એવોર્ડ એનાયત થયો. તાજેતરમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એનો એવોર્ડ પણ મળ્યો. પ્રતિમા ટી જેઓ લેડી અમિતાભના નામે જાણિતાં છે તેઓએ ઘણી
ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે એમાં "નાનો દિયેરીઓ લાડકો", દીકરો કહું કે દેવ", ઉપરાંત "રામ લીલા હિન્દી ફિલ્મ પરથી બનેલી "સાચી પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી" એ ફિલ્મમાં સંતોકબેન જાડેજાની ભૂમિકા અદા કરી છે.
કુટુંબમાં હડધૂત દયા દુર્ગા બની શકે: દયાબેન ડોટ કોમ
દયાબેન સામાન્ય હાઉસ વાઈફ છે જે હંમેશા ઘરના કામકાજ કરવામાં વ્યસ્ત રહે છે. દયાબેનના પતિ અમિત, કૉલેજમાં ભણતો દીકરો પ્રતિક, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતા દિયર ફાલ્ગુન અને કોર્પોરેટ જોબ કરતી દેરાણી મેઘનાને મન દયાબેનની કોઈ કિંમત નથી, બધા હંમેશા એને હડધૂત કરતા રહેછે. પણ એક દિવસ પ્રતીક કૉલેજની પાછળ ડ્રગ્સ પીતા પકડાઈ જાય છે. અમિત અને દયા બંને પોલીસ સ્ટેશન પહોંચે છે, ત્યાં એક આરોપી ફરાર થવાની કોશિષ કરે છે અને પોલીસની રિવોલ્વર છીનવી અમિતના માથે મૂકી દેછે, અને અમિતને હોસ્ટેજ બનાવી લે છે. ત્યારે પોતાના સુહાગ પર આવેલા જોખમને જોઈ દયા અચાનક દુર્ગા બની જાય છે અને ગુંડા પર અટેક કરે છે અને અમિતનો જીવ બચાવી લે છે. આ આખી ઘટનાનું કોઈક વિડીયો શૂટિંગ કરી લેછે અને આ વિડીયો વાયરલ થઈ જાય છે. દયા રાતો રાત સેલિબ્રિટી બની જાય છે. હવે લોકો એને ચીફ ગેસ્ટ તરીકે, મોટીવેશનલ સ્પીકર તરીકે બધે આમંત્રિત કરવા લાગે છે. એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની દયાબેન સાથે કોન્ટ્રાક્ટ કરી લે છે. હવે સિચ્યુએશન સાવ ઉલટી છે દયાબેન પ્રતિષ્ઠાવાન વ્યક્તિ છે અને ઘરના લોકોની હાલત કફોડી છે. દયાબેન પાસે હવે માન સન્માન પૈસો બધું જ છે ને બીજા પાત્રોની કફોડી પરિસ્થિતિમાંથી નિર્દોષ હાસ્ય ઉત્પન્ન થાય છે. અબળા ગણાતી સ્ત્રી ધારે તો દુર્ગા બનતા વાર નથી લાગતી એવા પ્રેરણાત્મક સંદેશા સાથે મનોરંજનથી ભરપુર નાટક એટલે દયાબેન.કોમ.