લંડનઃ યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ લોર્ડ્ઝમાં સોમવાર 20 મે, 2024ના દિવસે હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઈડ અને દાજીના હુલામણા નામથી પ્રખ્યાત કમલેશ ડી. પટેલનું સન્માન કરવાનો અદ્ભૂત કાર્યક્રમ યોજાયો હતો. આ ઈવેન્ટ ખુદ દાજી પાસેથી જ હાર્ટફુલનેસ મેડિટેશન વિશે જાણવા-શીખવાની અનોખી તક તમાન બની રહેવા સાથે સંવાદિતા, શાંતિ અને એકતાને પ્રોત્સાહિત કરનારો સંવાદ બની રહ્યો હતો. કોમનવેલ્થના માનવંતા સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડ KCએ દાજી સાથે ફાયરસાઈડ ચેટનું સંચાલન કર્યું હતું. ‘ઈન કન્વર્ઝેશન વિથ દાજી ટુ એક્સ્પ્લોર ઈનર પીસ ટુ વર્લ્ડ પીસ’ ઈવેન્ટનું આયોજન એશિયન પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા કરાયું હતું અને લોર્ડ લૂમ્બા CBEએ યજમાનપદ સંભાળ્યું હતું.
સ્વાગત સંબોધનમાં લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે,‘ઐતિહાસિક પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે દાજીનું સ્વાગત કરતાં હું ઘણો આનંદ અનુભવું છું. ગત વર્ષે આ જ હોલમાં આપણે દાજીનું સન્માન કર્યું હતું અને તે સમયે તેઓ વીડિયો મેસેજ મારફત આપણી સાથે સંકળાયા હતા. આ વર્ષે આપણે તેમને રૂબરુમાં મળવા અને સન્માનવા માટે સદ્ભાગી બન્યા છીએ. દાજીએ ભારતનો આધ્યાત્મિક ખજાનો સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યો છે અને વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર કાન્હા શાંતિ વનમનું હેદરાબાદમાં નિર્માણ કર્યું છે, જ્યાં એક સાથે 100,000થી વધુ ધ્યાનીઓનો સમાવેશ થઈ શકે છે. અનેક ધર્મોના નેતાઓ-અગ્રણીઓને એક સાથે લાવવાના દાજીના પ્રયાસોની હું કદર કરું છું. હાર્ટફુલનેસ ખંડો અને સંસ્કૃતિઓથી પાર જઈને આધ્યાત્મિકતાનું વૈશ્વિક બળ બનેલ છે. હું તેમના માનવતા પ્રત્યેના આજીવન સમર્પણ તેમજ હાર્ટફુલનેસ મારફત શિક્ષણ, સ્વાસ્થ્ય, અને પર્યાવરણીય ઈનિશિયેટિવ્ઝના ગણનાપાત્ર પ્રયાસોને બિરદાવવા ઈચ્છું છું.’
લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ‘ગત પાંચ દાયકાના ગાળામાં કોમ્યુનિટીની સેવામાં સીબી પટેલે ભજવેલી ભૂમિકાને પણ હું ધન્યવાદ આપવા ઈચ્છું છું. સીબી તેમના ફ્લેગશિપ ન્યૂઝપેપર્સ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સફળ પ્રકાશનો અને ઈવેન્ટ્સ થકી બ્રિટિશ એશિયન કોમ્યુનિટી માટે અથાક અભિયાનો ચલાવતા રહ્યા છે.’
આખરમાં લોર્ડ લૂમ્બાએ દાજીને વિનંતી કરી હતી કે 23 જૂને આંતરરાષ્ટ્રીય વિધવા દિન કાન્હા શાંતિ વનમ ખાતે ઉજવી શકાય તો લૂમ્બા ફાઉન્ડેશન માટે તે ભારે સન્માન ગણાશે.
હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે અનેકવિધ કોમ્યુનિટીઓ અને ધર્મોમાંથી આવેલા ઓડિયન્સને સંબોધતા પૂજ્ય દાજીએ જણાવ્યું હતું કે, ‘આપણે શાંતિ વિશે ઘણી વાતો સાંભળી છે પરંતુ, તમે કદી શાંતિનો અનુભવ કર્યો છે? આપણે જે અનુભવ કર્યો છે તે કદાચ સન્નાટા કે ખામોશી હોઈ શકે છે. શાંતિ એ કદી ભાવશૂન્યતા- ઝોમ્બી નથી. એક વખત તમે તમારા હૃદયમાં દિવ્યતાનો અનુભવ કરશો તે પછી કદી કોઈ પ્રશ્નો ઉભા નહિ થાય. મુશ્કેલીઓ તો આવશે પરંતુ, તે આટલી દુઃખદાયક નહિ હોય. આ સમસ્તનો માર્ગ જ મેડિટેશન-ધ્યાન છે. આપણે ઘણી વખત વિવિધ પ્રકારના પ્રદૂષણો વિશે વાત અને ચિંતા વ્યક્ત કરીએ છીએ પરંતુ, સર્વ પ્રકારના પ્રદૂષણનું મૂળ વિચાર પ્રદૂષણ છે. આપણે માત્ર ધ્યાન થકી જ આપણી માનસિક વૃત્તિઓ-માનસિકતાઓ સ્પષ્ટ કરી શકીએ છીએ. આ જ એકમાત્ર માર્ગ છે. હાર્ટફુલનેસ ધ્યાનની, અનુભવજન્યઆધ્યાત્મિકતાની ઓફર કરે છે’ દાજીએ જણાવ્યું હતું કે, ‘જ્ઞાન અથવા માહિતીને અનુભવનું પીઠબળ હોવું જોઈએ અન્યથા જ્ઞાન ખોખલું અને નિરર્થક રહી જાય છે અને તે ઘણી ખતરનાક બાબત છે. હું ધર્મોની ભૂમિકા પર ભાર મૂકતો નથી કારણકે ધર્મો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ધર્મોએ માનવતાનું વિશેષ-વ્યાપક વિભાજન કર્યુ છે. એક જ સંપ્રદાયમાં અનેક લડતાઝગડતા પંથો છે., મને આધ્યાત્મિકતા જ એક માત્ર આશા દેખાય છે.આધ્યાત્મિકતા કોઈ માહિતી નથી, તે અનુભવો થકી પ્રાપ્ત તમારી આંતરિક દૃઢતા-વિશ્વાસ છે. અનુભવ થકી તમે આગળનું કદમ નિહાળી શકશો. આ વિશ્વમાં એવું કશું જ નથી જેની સરખામણી આપણે દિવ્યતા સાથે કરી શકીએ.’
દાજીએ હાર્ટફુલનેસના ન્યૂરોપ્લાસ્ટિસિટીના વિજ્ઞાન પર આધારિત ઈનિશિયેટિવ બ્રાઈટર માઈન્ડ્સ વિશે જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે, ‘ આ એક પ્રકારની તાલીમ પદ્ધતિ છે જે 5થી 15 વયજૂથના બાળકો માટે આજીવન શીખવા અંગે તેમની સંજ્ઞાનાત્મક વૃદ્ધિને ઉત્તેજન આપવા તૈયાર કરાઈ છે. અમારા ટ્રેડમાર્કયુક્ત ઈન્ટરએક્ટિવ સાધનો અને ટેક્નિક્સના ઉપયોગથી અમારા દરેક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ સમગ્ર મગજની સક્રિયતાનું લક્ષ્ય ધરાવે છે જેમાં જમણું મગજ એક્સરસાઈઝ, અવાજના તરંગો-મોજાં થકી ઉત્તેજિત કરાય છે તેમજ જમણા અને ડાબાં મગજ વચ્ચે સમતુલા સાધવા હળવાશ હાંસલ કરાય છે. આના પરિણામે, બૌદ્ધિક, સામાજિક અને સંવેદનાત્મક તેજસ્વી મન મળે છે. આપણા બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્ય વિકસાવવા અને આપણી પૃથ્વીને અનેક માર્ગો અને પરિમાણો થકી બચાવવાના અમારા લક્ષ્યને આગળ વધારવા અમે આ પ્રોગ્રામ શાળાઓમાં લોન્ચ કરવા તૈયાર છીએ.’
કપિલ નાયડુએ બ્રાઈટર માઈન્ડ્સ વિશે લાઈવ પ્રેઝન્ટેશન આપવા સાથે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે, ‘હું બે દિવસ સુધી કાન્હા શાંતિ વનમમાં રહ્યો છું. દાજી મેડિટેશન મારફત માનવતાને સશક્ત બનાવવાનું અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે. આજના વિશ્વમાં આપણે વિશ્વ શાંતિની વાતો કરીએ છીએ પરંતુ, તેની શરૂઆત હંમેશાં આંતરિક શાંતિથી જ થાય છે.’
ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, ‘દાજી, અહીં આવવા બદલ આપનો આભાર. તમને રૂબરુમાં સાંભળવાનો ઘણો આનંદ થયો છે. આ બધું આપણી સમૃદ્ધ સંસ્કૃતિ વિશે છે. આ બધી બાબતો તમારી આસપાસ છે તેની સાથે સામંજસ્ય સાધવા વિશે અને હૃદયપૂર્વક તેની સાથે સંકળાવા સંબંધિત છે. સમાજનું મૂળ તત્વ સહિષ્ણુતા નહિ પરંતુ, સ્વીકૃતિ છે.’
નેપાળના યુકેસ્થિત એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી એન્ડ પ્લેનીપોટેન્શીઅરી જ્ઞાનચંદ્ર આચાર્યે જણાવ્યું હતું કે, ‘દાજીનું વક્તવ્ય શાંતિનું સુમધુર ગાન છે. આપણે રોજબરોજના જીવનમાં આપણી સંસ્કૃતિ સાથે સ્પર્શ ગુમાવી બેસીએ છીએ ત્યારે હાર્ટફુલનેસની આધ્યાત્મિકતા મૂળિયા તરફ પાછા જવાનો, પુનર્જીવનનો મજબૂત સંદેશો આપે છે. નેપાળ હિમાલય અને ચિંતનશીલ વિચારો માટે પ્રખ્યાત છે, અમે અમારા દેશ માટે દાજીના કાર્યોનો વધુ લાભ મેળવવા ઈચ્છીશું.’
ડોમિનિકાના હાઈ કમિશનર જેનેટ ચાર્લ્સે જણાવ્યું હતું કે, ‘મને અહીં ઉપસ્થિત રહેવાનો આનંદ અને ગૌરવ છે. આંતરિક શાંતિ અને આધ્યાત્મિકતા હોય તેનાથી બહેતર કશું નથી. ડોમિનિકાને, વિશેષતઃ યુવા વર્ગ અને શિક્ષણ માટે દાજી સાથે કામ કરવાનું ગમશે.’ માસ્ટર ઓફ સેરેમનીઝ અશર્યા લક્ષ્મણે ઈવેન્ટના આરંભથી સમાપન સુધી ચોકસાઈપૂર્વક સુચારુ સંચાલનની જવાબદારી નિભાવી હતી.
ABPLના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડ KCએ
દાજી સાથે ફાયરસાઈડ ચેટનું સંચાલન કર્યું હતું
SG: કોમનવેલ્થ વતી ગ્લોબલ પીસ એન્ડ ફેઈથ એમ્બેસેડર તરીકે તમારી નિયુક્તિનો મને આનંદ છે. કોમનવેલ્થ ખરેખર દરેક ધર્મોના લોકો થકી બનેલું છે. તેમાંના દરેકમાં ભરપૂર આધ્યાત્મિકતા હાજર છે, ભલે ઘણા કોઈ ધર્મના ન પણ હોય. તમારી આધ્યાત્મિક યાત્રાનો આરંભ કઇ રીતે થયો?
દાજી: મારામાં બાળપણથી જ આધ્યાત્મિક માર્ગે ચાલવાની આગ હતી. આથી, હું 17-18 વર્ષની વયે થોડો સ્વતંત્ર થયો ત્યારે રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદના પુસ્તકો મારા માટે પ્રેરણાસ્રોત હતા. મારા હૃદય પર તેમનો પ્રભાવ એટલો હતો કે દરેક પાનાના વાંચનથી મને રડવું આવતું હતું. મારું સ્વપ્ન સ્વામીજી જેવા બનવાનું હતું, સંન્યાસીની માફક બનીને રહેવું અને પવિત્ર સ્થળોનો પ્રવાસ કરવો. આથી, હું ખરેખર એક દિવસ નીકળી જ પડ્યો. ફાર્મસી કોલેજના મારા બીજા વર્ષ પછી વેકેશન દરમિયાન હું મારા ગામે આવ્યો ને મારા ગામની પાસે નર્મદા નદી અને શિવજીનું સુંદર મંદિર હતું. મેં અઘોરી બાબાઓને પણ જોયા અને તેમની સાથે આખો દિવસ વીતાવ્યો. એક વૃદ્ધ અઘોરી સાંજે મારી પાસે આવ્યા અને પૂછયુંછ્યું, ‘બચ્ચા તું અહીં શું કરે છે?’ મેં સામે કહ્યું, ‘તમે મારા ગુરુ બનશો?’ તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. તેમણે કહ્યું, ‘ બચ્ચા ઘેર જતો રહે. હું પણ ચાલી નીકળ્યો હતો અને સંન્યાસી અને સાધુ બની ગયો. મને અત્યાર સુધી કશું મળ્યું નથી, હું એક યાચક જ બની રહ્યો છું. ઘર છોડવાથી તને ભગવાન મળવાના નથી. તારા ગુરુ જ તને શોધી કાઢશે.’ એ જ મહિનામાં મારો એક મિત્ર મને આશ્રમમાં લઈ આવ્યો અને મને ધ્યાન ધરવા કહ્યું. અને આ રીતે મારી યાત્રાનો આરંભ થયો.
મૂળ વાત એ છે કે આપણે આદતી બની ગયા છીએ અને એટલા પ્રભાવિત રહીએ છીએ કે સાધુઓ અને સંન્યાસીઓ પૂજનીય માનીએ છીએ. પરંતુ, તમે આ બધા લોકોના આંતરિક જીવનમાં ડોકિયું કરશો તો વાસ્તવિકતા અલગ જ છે. ઘણા ગુરુઓ ખરીદારી માટે જાણીતા છે. તેઓ અક્ષમ લોકો માટે ચાર્જ લગાવશે. જે લોકો સૌથી વધુ દાન આપે તેઓ પ્રથમ હરોળમાં બેસે છે. આ તો એવું છે કે તમે ભગવાનને ખરીદી શકો છો. મારા ગુરુજી કહેતા રહ્યા કે જો તમે બ્રહ્મવિદ્યા આપવા કે લેવા ઈચ્છતા હો તો તે નિઃશુલ્ક જ હોવી જોઈએ. તેને વેચી શકાય નહિ. પરિણામે, મારી અંદર આધ્યાત્મિકતાનો પ્રસાર કરવાનું નવું જોમ પેદા થાય છે. આથી જ, હાર્ટફૂલનેસ મારફત અમે કોઈની પાસે ચાર્જ ન લેવાય તેને પ્રોત્સાહન આપીએ છીએ. આ એપ પણ ફ્રી છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. તમારે કોઈ ગુરુના પગે પડી જવાની જરૂર નથી. માત્ર તમારા કદમ અને અનુભવને અનુસરતા રહો. બસ આટલું જ કરો.
SG: તમે મને કાન્હા શાંતિ વનમ વિશે વધુ જણાવી શકો? તમે બંજર-વેરાન ભૂમિને હરિયાળા વનમાં ફેરવી નાખી છે. તમે આ કેવી રીતે કર્યું?
દાજી: કાન્હા શાંતિ વનમ હજારો અને હજારો સ્વયંસેવકો થકી વાસ્તવિકતામાં પરિણમ્યું છે. આ એક વ્યક્તિનું કાર્ય નથી. જળ વિના જીવન નથી. આથી, અમે સંખ્યાબંધ નાના ચેકડેમ્સ ને ઊંડા ખાડા તૈયાર કર્યાં. ખાડામાં કોલસા ભર્યા. આ કોલસા ભેજ ને પોષક તત્વો ચૂસે છે. કોલસાથી પાણી શુદ્ધ થતું હોવાથી ભૂગર્ભજળ વધુ શુદ્ધ રહેવા સાથે લાંબા ગાળા સુધી પોષકતત્વો જાળવે છે. હું ફાર્માસિસ્ટ હોવાથી મને કોલસાના ગુણધર્મો ખબર હતી. જો તમે કોલસાને બંજર ભૂમિમાં કેટલાક બાયો-ન્યુટ્રિઅન્ટ્સથી ચાર્જ કર્યા વિના મૂકો તો તે પોષકતત્વો ચૂસી લેશે અને પ્લાન્ટ્સ મરી જશે. આથી અમે કોલસાને બાયોવેસ્ટ થકી સંતૃપ્ત બનાવ્યા. અમે આ બે સિદ્ધાંતો પર કામ કરતા હતા. શરૂઆતમાં તો પાણી હતું જ નહિ તેથી, હું દરેક મુલાકાતીને એક કે બે ગેલન પાણી સાથે લાવવા અને એક વૃક્ષ દત્તક લેવા કહેતો હતો. આમ બે વર્ષમાં જ 1400 એકરની સમગ્ર ભૂમિનું રૂપાંતર થઈ ગયું. અમે રેઈનફોરેસ્ટ્સ વિકસાવ્યા છે.
SG: કાન્હા શાંતિ વનમની સાથોસાથ તમે વિવિધ ધર્મોના અનુયાયીઓ અને નાસ્તિકોમાં આધ્યાત્મિકતામાં કેવી રીતે વધારો કર્યો છે?
દાજી: હું ફતેહગઢના અમારા આદિ ગુરુ શ્રી રામચંદ્રજીનો સાચો અનુભવ જણાવવા ઈચ્છું છું. તેઓ 1927માં ટ્રેન દ્વારા પ્રવાસ કરતા હતા અને માળવા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ જંગલમાંથી ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કુદરત, ભૂમિ, જળ, વૃક્ષો અને આકાશ તરફ આકર્ષિત થયા. આ સ્થળ તેમને કાકભુશુંડીના આશ્રમની યાદ અપાવતું હતું. તેમણે કહ્યું હતું કે માનવજાતની સરખામણીએ કુદરતમાં આધ્યાત્મિક બળ સરળતાથી સ્થાપિત થઈ શકે છે. જો માનવજાતને આ દિવ્ય બળ આપવામાં આવે તો કેટલાક લોકો તેને મેળવી શકે પરંતુ, ઝડપથી ગુમાવી દે છે. દસ લાખમાંથી એક વ્યક્તિને પણ તે મળે, સાચવી શકે અને ગુણાકાર કરી શકે એટલું દુર્લભ હોય છે. છોડવાં, પ્રકૃતિની સાથે આમ હોતું નથી. વૃક્ષો તો મૃત્યુ પછી પણ તેને જાળવી શકે છે. આથી, મારું જોશ-ઝનૂન તેના જેવું વન રચવાની હતી. મેં થોડા એકરમાં વન વિકસાવવાનો નિર્ણય કરી લીધો. આ રીતે કાન્હા શાંતિ વનમ આધ્યાત્મિકતાના અનુભવ કરવામાં, તેને જાળવી રાખવામાં અને વધારવામાં મદદ કરે છે.
SG: આ અશાંત-અરાજક વિશ્વને વધુ શાંતિમય બનાવવા અમારામાંથી દરેકે શું કરવું જોઈએ તેમ તમે ઈચ્છો છો?
દાજી: ધ્યાન મારફત તમારી આંતરચેતનાને સંવેદનશીલ બનાવો. તમારી ચેતનાના અવાજને અનુસરવાની હિંમત રાખો. અન્યથા દિવ્ય સ્વર આપણી પાસે આવવાનો બંધ થઈ જશે.
શ્રેષ્ઠતાના પ્રમાણપત્ર અને એવોર્ડ્ઝથી સન્માન
પૂજ્ય દાજીનું ‘એમ્પાવરિંગ હ્યુમનિટી થ્રુ મેડિટેશન’ એવોર્ડ અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સથી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે અને કોમનવેલ્થના માનવંતા સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડ KCનું સન્માન ‘વાઈટલ રોલ ઈન ડિલિવરિંગ ક્લાઈમેટ સોલ્યુશન્સ’ એવોર્ડ અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સથી કરાયું હતું. લોર્ડ લૂમ્બા, ભારતના હાઈ કમિશનર, નેપાળના એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી એન્ડ પ્લેનીપોટેન્શીઅરી, ડોમિનિકાના હાઈ કમિશનર અને સીબી પટેલના હસ્તે પૂજ્ય દાજી અને સેક્રેટરી જનરલનું બહુમાન કરવામાં આવ્યું હતું.