રાજકોટઃ ઇફ્કોની ચૂંટણીથી ગુજરાત ભાજપમાં પ્રદેશ સંગઠન અને સહકાર ક્ષેત્રના બે મોરચા સામસામે આવી ગયા. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રદેશ ભાજપ સામે વધુ એક વખત ગંભીર ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું કે, કાર્યકરોની પીડાને દૂર કરવામાં નહીં આવે તો પક્ષને થનારું નુકસાન ખાળી નહીં શકાય. હું આ મામલે પાછીપાની નહીં કરું. સી.આર. પાટીલને જવાબ આપવા ચૂંટણી પૂરી થાય તેની રાહ જોતો હતો.
સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં જાહેરસભામાં સી.આર. પાટીલે એમ કહેલું કે, અહીં તો ઇલુ-ઇલુ ચાલે છે. મારે ત્યારે જ એમને જવાબ આપવો હતો. પરંતુ ચૂંટણી ચાલતી હોઈ ચૂપ રહ્યો. ચૂંટણી પૂર્ણ થઈ અને એમણે ફરી એ વિધાન ઉચ્ચાર્યું. મને ઇફ્કોમાં જે જીત મળી તેના કરતાં પણ ઇલુ-ઇલુ નિવેદનનો જવાબ આપવાથી વધુ અભિનંદન મળ્યા છે. મેં જે જવાબ આપ્યો છે એ માત્ર મારો જ નહીં અનેક લોકોનો અવાજ છે. પક્ષે કાર્યકરોની પીડા સાંભળવી પડશે, અન્યથા નુકસાન ખાળી નહીં શકાય. સહકારી ક્ષેત્રને બદનામ કરવા ખેડૂતોની પ્રવૃત્તિને બચાવવા હું પાછીપાની નહીં કરું.