ગયા સપ્તાહમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે 43મી મુલાકાત યોજાઇ. આમ તો આ બંને નેતાઓની મુલાકાતને પશ્ચિમની મહાસત્તાઓ સામેનો મોરચો જ ગણી શકાય પરંતુ રશિયા અને ચીન વચ્ચે ઊભી થઇ રહેલી આ ધરી ભારત માટે પણ વ્યાપક કૂટનીતિક કુનેહ માગી લે તેવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. રશિયા અને ચીન વચ્ચેના સંબંધોને કારણે ભારતના વૈશ્વિક અને ખાસ કરીને પાડોશી ચીન સાથેના સરહદી મામલાઓમાં સર્જાનારી કોઇપણ પ્રકારની નકારાત્મક અસરોને નાબૂદ કરવા નવી દિલ્હીએ અન્ય મહાસત્તાઓ સાથે સંબંધો મજબૂત બનાવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં પુતિન રશિયામાં સત્તા પર આવ્યા ત્યારથી તેઓ ચીન સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાન સાથે પણ રશિયાના સંબંધો અગાઉ કરતાં ઘણા વધુ સારા બન્યાં છે. આવી સ્થિતિમાં ભારતે તેના બંને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના મુદ્દે વધુ સાવધ બની રહેવાની જરૂર પડશે. શરૂઆતમાં તો અમેરિકા અને યુરોપ સાથેના સંબંધો સારા હોવાના કારણે ચીન રશિયાને વધુ ભાવ આપતો નહોતો પરંતુ અમેરિકા અને પશ્ચિમ સાથેના સંબંધોમાં વધી રહેલી કડવાશને કારણે હવે ચીનને રશિયાનો સાથ સારો લાગવા લાગ્યો છે. અન્ય પશ્ચિમના દેશોની જેમ ભારત પણ એમ માની રહ્યો છે કે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો એક સ્તરથી વધુ આગળ વધી શકે તેમ નથી. ભારત એવી પણ આશા રાખી રહ્યો છે કે ચીન સાથેના સંબંધો વિકસાવવામાં પુતિન ભારતની ચિંતાઓની અવગણના નહીં કરે. વર્તમાન સમયમાં ભારત માટે સૌથી મોટા જોખમરૂપ દેશ પાકિસ્તાન નહીં પરંતુ ચીન છે. ચીન સાથેના સરહદી વિવાદો બંને દેશ વચ્ચે ગમે ત્યારે લશ્કરી અથડામણો કરાવી શકે છે. તે ઉપરાંત ચીન દ્વારા થતી પાકિસ્તાનની તરફદારી ભારતને હંમેશા નુકસાન કરતી રહી છે. બદલાઇ રહેલા વૈશ્વિક પ્રવાહોમાં દિલ્હીએ રશિયા સાથેની મિત્રતાની પુનઃચકાસણી કરવાનો સમય આવી ગયો છે. યુક્રેન પરના હુમલા બાદ રશિયા અને પશ્ચિમ વચ્ચેના સંબંધો પડી ભાંગ્યા છે ત્યારે પુતિનને હવે ચીનનો જ સહારો છે. ઇન્ડો-પેસિફિક રિજિયનમાં પણ રશિયા જે રીતે ચીનને સાથ આપી રહ્યો છે તે નવી દિલ્હી માટે ગંભીર ચિંતાનો વિષય છે. નવી દિલ્હીએ આ નવા ઘટનાક્રમની ગંભીરતાથી નોંધ લેવી જ રહી.