ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા બેઠકની ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને ખાસ જવાબદારી સોંપાઈ છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને ઉત્તરપ્રદેશ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને મંત્રી ઋષિકેશ પટેલને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
મોદી હંમેશાં પોતાની આ બેઠક માટે ગુજરાતના ભાજપના નેતાઓ આયોજનમાં સામેલ હોય તેવું પસંદ કરે છે. આ અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ વારાણસીમાં મોરચો સંભાળી ચૂક્યા છે. 2014 અને 2019 ની ચૂંટણીમાં વારાણસીમાં મોદીના વિજય માટે જમીની સ્તર પર ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી ગુજરાતના નેતા સુનિલ ઓઝાને સોંપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના તે સમયના પ્રભારી અમિત શાહ હતા અને સહ પ્રભારી સુનિલ ઓઝા હતા, તેમાં પણ સુનીલ ઓઝાને વારાણસી બેઠકની ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. થોડા સમય પહેલાં અવસાન પામેલા સુનિલ ઓઝાના અંતિમ સંસ્કાર પણ ઉત્તરપ્રદેશમાં જ કરાયા હતા.
ઓઝા ઉપરાંત ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ વારાણસી બેઠકને લઈને ભૂમિકા ભજવી છે. ઓઝા અને ઝડફિયા અંગત કારણોસર એક સમયે ભાજપ છોડી જતા રહ્યા હતા, પરંતુ ભાજપમાં પરત ફરતાં જ મોદીએ આ બંને નેતાઓને તેમની સંગઠનમાં ઊંડી સમજ બદલ વારાણસીની જવાબદારી સોંપી હતી.