નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવકુમાર સામે આમ આદમી પાર્ટીનાં જ સાંસદ સ્વાતિ માલીવાલે મારપીટની ફરિયાદ કરી છે. જે બાદ 18 મેએ તેની ધરપકડ કરાઈ હતી.
સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસ સમક્ષ દાખલ કરાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે, કેજરીવાલના પીએ વિભવ કુમારે મારી સાથે બહુ મારપીટ કરી છે, મને પેટ અને શરીર પર માર મારવાની સાથે 7થી 8 તમાચા માર્યા હતા. આ ઘર્ષણમાં મારો કુર્તો પણ ફાટી ગયો હતો. ફરિયાદ દાખલ થયા બાદ સ્વાતિનું મેડિકલ પરીક્ષણ પણ કરાવી મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું નિવેદન લેવાયું હતું.
પોલીસે શુક્રવારે સ્વાતિને સાથે રાખીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસે ક્રાઇમ સીન રિક્રિએટ કર્યો હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ ત્યાં તપાસ કરી કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. આ મામલે કેજરીવાલની પૂછપરછની પણ શક્યતા છે. આપ નેતા આતિશીએ સ્વાતિના આક્ષેપોને ખોટા ગણાવી તેઓ ખોટું બોલી રહ્યાં હોવાના આક્ષેપો કર્યા છે.