બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે સુનાક સરકારનું ઘાતકી વલણ

Wednesday 22nd May 2024 05:57 EDT
 

બ્રિટનની યુનિવર્સિટીઓ તેના તાજના ઝવેરાતો પૈકીની એક છે. સ્પર્ધાત્મકતા, કુશળતા અને સંશોધન તથા વિદેશી આવક દેશમાં લાવવા માટે યુનિવર્સિટીઓ અત્યંત મહત્વની છે પરંતુ સરકાર દ્વારા નેટ ઇમિગ્રેશન ઘટાડવા લેવાઇ રહેલાં આકરા પગલાંને કારણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જે યુનિવર્સિટીઓ માટે ઘાતકી નીવડશે. કેટલીક યુનિવર્સટીઓ ખર્ચને પહોંચી નહીં વળતા તેમના શટર પડી જાય તેવું જોખમ પણ તોળાઇ રહ્યું છે. બ્રેક્ઝિટ બાદ બ્રિટન ફક્ત ઘરેલુ કુશળતા પર આધાર રાખી શકે તેમ નથી. બ્રિટને કેપિટલ અને ટેલેન્ટ માટે વૈશ્વિક સ્તરે લડત આપવી પડશે. છેલ્લા બે વર્ષમાં નેટ ઇમિગ્રેશન રેકોર્ડ સપાટી પર પહોંચ્યા બાદ સુનાક સરકાર લીગલ માઇગ્રેશન ઘટાડવા માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને નિશાના પર લઇ રહી છે. તેમના પર પરિવારજનોને બ્રિટનમાં નહીં લાવવા સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે જેના કારણે આગામી શૈક્ષણિક વર્ષ માટેની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓમાં ગયા વર્ષની સરખામણીમાં 57 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્રિટનમાં છેલ્લા એક દાયકાથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની ફીમાં વધારો કરાયો નથી. યુનિવર્સિટીઓને દરેક ઘરેલુ વિદ્યાર્થી દીઠ 2500 પાઉન્ડની ખોટ વેઠવી પડે છે. જેના કારણે યુનિવર્સિટીઓ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પાસેથી મળતી ફીની આવક અત્યંત મહત્વની બની ગઇ છે. જો આ આવક બંધ થઇ જશે તો બ્રિટનની યુનિવર્સીટીઓની તિજોરીઓ ખાલી થવા માંડશે. ઘણી યુનિવર્સિટીઓને કોલેજો બંધ કરવાની ફરજ પડી શકે છે. આપણે બાળપણથી સોનાના ઇંડા આપતી મરઘીની વાત જાણીએ છીએ. સુનાક સરકાર પણ સોનાના ઇંડા આપતી મરઘીને જ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઘરેલુ વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની નીરસતાને કારણે બ્રિટિશ ઉદ્યોગ જગતને કુશળ કર્મચારીઓ પ્રાપ્ત થઇ રહ્યાં નથી અને આ ખોટ તેજસ્વી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પૂરી કરી રહ્યાં છે. એકતરફ સરકાર બ્રિટનને ગ્લોબલ બ્રિટન બનાવવાના સ્વપ્ન સેવે છે અને બીજીતરફ બહારથી આવતા ટેલેન્ટની ઘોર અવગણના કરી રહી છે. સરકારે દેશમાં પ્રવર્તતી ટેલેન્ટ ખોટની ભરપાઇ કરવા માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આવકારવા જ પડશે.


comments powered by Disqus