ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 60.19 ટકા મતદાન બાદ ભાજપ પોતાની વિચારધારાનાં મૂળિયાં વધુ ઊંડાં થશે એવો દાવો કરી રહ્યો છે, તો કોંગ્રેસમાં ફરીથી અંકુરિત થવાનું ગણિત મંડાઈ રહ્યું છે. જેથી બંને પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્તેજના વ્યાપી છે.
રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત સાથે આગામી ઓક્ટોબર કે નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આયોજનની શક્યતા છે. રાજ્યમાં 2022માં વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદાનના સૌથી વધુ 52.50 ટકા મત મળ્યા હતા. દોઢ વર્ષ પહેલાં આ ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ અને AAP બંનેએ અલગ-અલગ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેના કારણે કેટલાંક ક્ષેત્રોમાં ખેલાયેલા ત્રિપાંખિયા જંગને કારણે કોંગ્રેસનો જનાધાર ઇતિહાસમાં ઘટીને સાવ 27.52 ટકાએ પહોંચ્યો હતો, કારણ કે આ ચૂંટણીમાં આપને 12.92 ટકા મત મળ્યા હતા. 2022 પહેલાની ત્રણ વિધાનસભા, ચાર લોકસભા અને 4 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને સરેરાશ 37 ટકાથી 41 ટકા મત મળતા રહ્યા છે, પરંતુ વર્ષ 2022માં મતોનું વિભાજન થયું હતું.