અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યું પણ સાથેસાથે ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ પણ જયચંદની ભૂમિકા અદા કરી હતી. કમલમ્ સુધી એવી ફરિયાદો પહોંચી છે કે, ચૂંટણીમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષવિરોધી પ્રવૃત્તિ આચરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઊઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે ભાજપ શિસ્ત સમિતિએ શહેર-જિલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મગાવ્યો છે, જેમાં કોણે-કોણે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે તેની વિગતો માગવામાં આવી છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસીમાએ રહ્યો હતો. ટિકિટ મુદ્દે અસંતોષ, પત્રિકાકાંડ, અટકકાંડ, સીડીકાંડ, ઉમેદવાર બદલવા મુદ્દે નારાજગી સહિતનાં કારણોસર ઘણી બેઠકો પર પક્ષવિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનું બહાર આવ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા. ઘણાએ પાછલા બારણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મદદ કરી હતી. સૂત્રોના મતે બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ સહિત અન્ય બેઠકો પર પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઊઠી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે પક્ષવિરોધી પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બધી ફરિયાદો કમલમ્ સુધી પહોંચી છે.