મોરબી સિરામિક ઉદ્યોગ પર મુશ્કેલીનાં વાદળઃ USની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નડશે

Wednesday 22nd May 2024 07:07 EDT
 
 

અમદાવાદઃ એક તરફ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઈ રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ એક ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. સિરામિક ટાઇલ્સ નિકાસના મુખ્ય બજાર પૈકી એક અમેરિકામાં ભારતીય ટાઇલ્સ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાખવાની રજૂઆત થઈ છે. અમેરિકાના સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોએ સ્થાનિક બજાર કરતાં નીચા ભાવે આયાત થતી હોવાની ફરિયાદ કરીને ભારતીય સિરામિક ટાઇલ્સ પર 800% સુધીની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાખવા રજૂઆત કરી છે. US ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન અને US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ આ મુદ્દાને ચકાસી રહ્યું છે. જો અમેરિકાની સરકાર ભારતથી આયાત થતી ટાઇલ્સ પર ઊંચી ડ્યૂટી નાખશે તો તેની સૌથી વધુ અસર ગુજરાતના મોરબી સિરામિક ક્લસ્ટરને થશે.
સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે 10% આસપાસ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાખવામાં આવે તો વાંધો નહીં આવે, પરંતુ જો વધારે હશે તો અમેરિકામાં થતી આયાતમાં ઘટાડો થઈ શકે છે. ડ્યૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે. આ રજૂઆત બાદ નવા ઓર્ડરની પૂછપરછ થોડી ધીમી પડી છે. જૂના ઓર્ડર હાલ નિકાસ થઈ રહ્યા છે. બંને દેશના આયાત અને નિકાસકારો શું નિર્ણય આવે છે તેની રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અંદાજે રૂ. 1,600 કરોડની ટાઇલ્સ અમેરિકામાં નિકાસ કરાઈ હતી. કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી આશરે 10% જેવી છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનમાં વિટ્રિફાઇડ ટાઇલ્સના પ્રમુખ મૂકેશ કુંડારિયાએ કહ્યું કે, વૈશ્વિકસ્તરે ભારતીય ટાઇલ્સની સારી માગના કારણે આ વર્ષે નિકાસ ઘણી વધી છે. કોઈપણ દેશમાં સ્થાનિક બજાર કરતાં નીચા ભાવે આયાત થાય ત્યારે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાવવામાં આવે છે. અમેરિકાના ઉત્પાદકોએ આપણી ટાઇલ્સ પર ડ્યૂટી લગાવવાની રજૂઆત કરી છે અને હવે તેના પર તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus