હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના પ્રમુખ ઇબ્રાહિમ રઇસી, ઇરાનના વિદેશમંત્રી હોસેન આમિર અબ્દોલ્લાહિયાન સહિત ઉચ્ચ અધિકારીઓના મોતે સમગ્ર વિશ્વના રાજકીય વર્તૃળોમાં ઘેરા પ્રત્યાઘાત સર્જ્યા છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ઉત્તર પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલી આ કરૂણાંતિકાની પ્રાદેશિક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર વ્યાપક અસરો થવાની છે. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વ્યાપક તણાવ ચાલી રહ્યો છે તેવા સમયે જ આ દુર્ઘટના ઘટી છે. ઇઝરાયેલની સામે લડી રહેલા હમાસ, હિઝબોલ્લાહને ઇરાનનું સીધું સમર્થન છે. ગયા મહિને તો ઇરાન અને ઇઝરાયેલ સીધા સામસામે આવી ગયાં હતાં અને ઇરાને સેંકડો મિસાઇલ અને ડ્રોન વડે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલે પણ ઇરાનના ઇસ્ફાહાન પ્રાંતમાં વળતો હુમલો કરી સંતોષ માન્યો હતો. આવી સ્થિતિમાં રઇસી ના મોતની પશ્ચિમ એશિયામાં કેવી વિપરિત અસરો પડી શકે છે તે સમજવું અત્યંત મહત્વનું છે. ઇરાનના પ્રમુખના મોતને કારણે મિડલ ઇસ્ટ એશિયામાં વધુ અસ્થિરતા આવી શકે છે. હજુ સુધી ઇરાનના મીડિયાએ હેલિકોપ્ટર ક્રેશને એક અકસ્માત જ ગણાવ્યો છે પરંતુ ઇરાનની સરકાર દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. જો આ દુર્ઘટનામાં કોઇનો દોરીસંચાર સામે આવશે તો આ વિસ્તારમાં તણાવ ચરમસીમા પર પહોંચી શકે છે. ઇરાનનું નેતૃત્વ હવે પછી કોના હાથમાં આવે છે તે પણ ઇરાનનું ભાવિ નકકી કરશે. વિશેષ કરીને ઇઝરાયેલ અને અમેરિકા તથા મિડલ ઇસ્ટના અન્ય દેશો સાથેના સંબંધો કેવા રહેશે તે આ નેતાની પસંદગી જણાવશે. અમેરિકા સાથેના સંબંધો પર પણ આ ઘટનાની દુરોગામી અસર જોવાશે કારણ કે રૈસી અમેરિકા સાથેની મંત્રણાઓમાં આકરું વલણ ધરાવતા હતા. ગાઝામાં ઇઝરાયેલના આક્રમણ બાદ અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધો નવા તળિયે પહોંચી ગયાં છે. તે ઉપરાંત ઇરાનમાં ઘરઆંગણે પણ સ્થિતિ અસ્થિર બની શકે છે. નવા નેતા તરીકે કોની પસંદગી થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે કારણ કે નવા નેતા દ્વારા જ ઇરાનની ઘરેલુ અને વૈશ્વિક નીતિઓ ઘડાશે. નવા નેતા દ્વારા ઇરાનના પરમાણુ કાર્યક્રમ, ઇઝરાયેલ સાથેના સંબંધો, અમેરિકા સાથેનો વ્યવહાર પર લેવાનારા નિર્ણયો ભવિષ્યની વ્યવસ્થા પર દુરોગામી અસરો પાડશે.