અમદાવાદઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી 18 મેએ ગુજરાતના તમામ 1130 મદરેસામાં સરવે હાથ ધરાયો છે, પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતાં ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનના મહોલ્લામાં સરવે કરવા જતાં તેમના પર હુમલો થયો છે. સુલ્તાન સૈયદની મસ્જિદમાં સરવે કરવા ગયેલા બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પટેલને 10થી વધુના ટોળાએ માર માર્યો હતો, ત્યાર બાદ 100 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. શિક્ષકે મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યારે સુરતના મદરેસાના પ્રિન્સિપાલે સરકારની કામગીરીને બિરદાવી છે.
અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. વડોદરામાં મદરેસા સરવેમાં વડોદરા શિક્ષણ વિભાગની 15 ટીમે સરવે હાથ ધર્યો છે. વડોદરા શહેરની 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની જુદીજુદી ટીમો બનાવી સરવેની કામગીરી હાથ ધરાઈ હતી.
‘આને પતાવી દો’
આચાર્ય સંદીપ પટેલે જણાવ્યું હતું કે, હું સરવેની કામગીરી માટે પહોંચ્યો ત્યારે મસ્જિદ બંધ હોવાથી લોક મારેલાનો ફોટો પાડી રહ્યો હતો, ત્યારે 10 લોકોનું ટોળાએ આવી મને માર માર્યો હતો. ત્યારબાદ બીજું 100-150નું ટોળુ આવ્યું હતું, જેમાં મહિલાઓ પણ હતી. ટોળામાંથી કોઈએ કહ્યું હતું કે, આને ગલીમાં લઈ લો, પતાવી દઈએ. હું મને સોંપેલી કામગીરી કરવા ગયો ત્યારે મારા પર હુમલો થયો હતો, જેથી હું ફરિયાદ કરવા દરિયાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.