રાજ્યમાં લોકસભા પરિણામ પછી સપ્ટેમ્બરમાં પાલિકા-પંચાયતની ચૂંટણી આવશે

Wednesday 22nd May 2024 07:07 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના આગેવાનો-કાર્યકરોને જંપીને આરામ કરવા દેશે નહીં, કેમ કે પોણા બે વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પાછળ-પાછળ જ આવી રહી છે. રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદનો લાંબો 5 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્ણ થઈ રહ્યો છે, તેથી એ પહેલાં લાંબા સમયથી પડતર પાલિકા-પંચાયતોની ચૂંટણી પાર પડી જશે તેવી અટકળો થઈ રહી છે.
એક અનુમાન એવું પણ છે કે, રાજ્ય ચૂંટણી કમિશનરને ત્રણેક મહિનાનો મુદત વધારો આપી ચોમાસું નડે નહીં તે માટે નવરાત્રી પહેલાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં પણ આ ચૂંટણીઓ થઈ શકે. રાજ્યમાં 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતો તેમજ 7 હજાર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચઢેલી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અગાઉ ઓબીસી સમાજો માટે 10 ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે. રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણસ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજોની વસ્તી છે, જેને અનુલક્ષીને ઓબીસી સમાજો માટે અનામત બેઠકો-જિલ્લા પંચાયતોમાં 105થી વધીને 229 થઈ છે. તો 248 તાલુકા પંચાયતોમાં 506થી વધીને 1,085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતોમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓમાં પણ મોટા પ્રમાણમાં વધી છે.


comments powered by Disqus