રાજકોટઃ રાજકોટમાં રૂપાલાના વિરોધ બાદ હવે રૂપાલાની માફીનું પ્રકરણ સોશિયલ મીડિયામાં ચગ્યું છે. સંકલન સમિતિએ રૂપાલા વિરોધી આંદોલનને વિરામ જાહેર કર્યો. તેની સામે રાજકોટનાં પદ્મિનીબાએ રૂપાલાને નારીશક્તિ વતી માફી જાહેર કરતાં હવે સોશિયલ મીડિયામાં અનેક લોકો દ્વારા રૂપાલાને માફી આપવાનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં રૂપાલા વિરોધી આંદોલનથી ચર્ચામાં આવેલા ક્ષત્રિય સમાજનાં પદ્મિનીબા વાળાએ યુ-ટર્ન લઈ રૂપાલાને માફી જાહેર કરી દીધી હતી.
તેમણે કહ્યું કે, આંદોલન નિષ્ફળ ગયું છે. સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોરી અને કાંઈ પરિણામ તો આવ્યું નહીં. રાજકારણ રમાઈ ગયું. સમિતિવાળા કોંગ્રેસ પાસે અને સમાજ પાસે સારા થયા અને અમે હાથો બન્યા. હવે અમારી પાસે રૂપાલાને માફી આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેણે પાંચ વખત માફી માગી છે. માફી માગવા માટે હિંમત જોઈએ. તેમણે પોતે ભાજપમાં ભળી શકે છે તેવા પણ નિર્દેશ આપ્યા હતા.