રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે પત્રકારો સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓએ શંકરસિંહનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગોંડલના સુલતાનપુર ખાતે ગોંડલિયા પરિવારના પ્રસંગમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમણે જેતપુર નજીક કાગવડસ્થિત ખોડલધામ મંદિરે જઈને માતાજીનાં દર્શન કર્યાં હતાં. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે શંકરસિંહ વાઘેલા સાથે બેઠક યોજી હતી. આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સુલતાનપુર ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં મને અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આમંત્રણ મળ્યું છે, જેથી અમે બંને સાથે જઈએ તે માટે હું અહીં આવ્યો છું. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.
ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતા જયેશ રાદડિયા સામે હાર્યા તે મામલે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, દરેકની ચડતી-પડતી આવે છે.