અમદાવાદઃ વંશાવલી પરંપરા લુપ્ત થવાને આરે છે. જો કે હજુ સિદ્ધપુરના ગોરમંડળના 40 પરિવારે તેને જાળવી રાખી છે. આ પરિવારોએ અત્યાર સુધી 10 લાખથી વધુ પરિવારોની વંશાવલીનો સંગ્રહ કર્યો છે. આજે કોઈ વ્યક્તિ તેમની પેઢી વિશે જાણવા માગે તો 10થી 15 મિનિટમાં જ આખી પેઢી-પરિવારનો ઇતિહાસ મળી રહે છે. જો કે અહીં માતૃતર્પણ કરાવી ગયેલા પરિવારોની પેઢીઓની જ વિગતો વંશાવલીમાં મળી રહે છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજના પ્રમુખ હિતેશ પાટીલના જણાવ્યા અનુસાર હજાર વર્ષ પહેલાં આ વંશાવલીના ચોપડામાં યાદીઓ કક્કા વાર લખાઈ રહી છે. માતૃશ્રાદ્ધ કરાવી ગયેલા પાકિસ્તાન અને નેપાળના કેટલાક પરિવારોની પેઢીઓની વિગતો પણ તેમાં ઉપલબ્ધ છે. સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. અહીં તર્પણ માટે આવતા લોકોની પેઢીઓ, પરિવારોની વંશાવલી મળી રહે છે.
માતૃતર્પણ કરાવતા પરિવારોની વિગતો ઉપલબ્ધ
પહેલા વ્યક્તિના જિલ્લાનું નામ ત્યાર પછી ગામ અને જ્ઞાતિ, નામ, અટક પૂછાય છે. આ તમામ બાબતોને ડિક્શનરીની જેમ કક્કા બારાખડી અનુસાર શોધવામાં આવે છે. અહીંના દરેક ગોર મહારાજને જિલ્લા-જ્ઞાતિ પ્રમાણે ચોપડા ફાળવાયેલા છે.
ગાંધીજી, સરદાર, બચ્ચન, અંબાણી પરિવારનો પણ ઉલ્લેખ
નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત સુધીર શુક્લના જણાવ્યા અનુસાર વંશાવલી ચોપડામાં ભક્ત કવિ નરસિંહ મહેતા, જલારામ બાપાના ગુરુ ભોજલરામ, મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી, ડોંગરેજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, ભૂતપૂર્વ પ્રધાન દેવગૌડા, ઉમા ભારતી, અમિતાભ બચ્ચન, રવીન્દ્ર જાડેજા, પરેશ રાવલ સહિત અનેક રાજા-મહારાજા, ધર્માચાર્યો, શંકરાચાર્યો, વલ્લભાચાર્યો સહિતની હસ્તીઓએ કરાવેલા માતૃતર્પણનો ઉલ્લેખ જોવા મળે છે.