નવી દિલ્હીઃ સીએએનો અમલ થયો તેના બે મહિના બાદ બુધવારે દિલ્હીમાં 14 લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાના હસ્તે આપવામાં આવ્યું હતું. જ્યારે આશરે 300 લોકોની ભારતીય નાગરિકતા મંજૂર કરાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દિવસને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં દસકાઓથી જે લોકો ધર્મના આધારે થતા અત્યાચારો સહન કરી રહ્યા હતા તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં આવી વસેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તીઓને સીએએ હેઠળ નાગરિકતા આપવામાં આવી રહી છે. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં 14 લોકોને સર્ટિફિકેટ અપાયાં હતાં, જ્યારે અન્ય લોકોને ડિજિટલ સર્ટિફિકેટ અપાશે. જે લોકોને નાગરિકતા અપાઈ છે તેમાંથી સૌથી વધુ પાકિસ્તાની હિન્દુ છે.