અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે માવઠું થયું હતું. આ સ્થિતિમાં જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સાર્વત્રિક અને જૂનાગઢ પંથકમાં છૂટાછવાયા સ્થળોએ મિની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. ભારે પવનના કારણે લીલીયાના બવાડા ગામે મકાનનાં નળિયાં ઊડ્યાં હતાં અને ગામની નદીમાં પૂર આવ્યું હતું. બગસરાના હામાપુર ગામે વૃક્ષ પડ્યાં હતાં. અમરેલી જિલ્લામાં સત્તાવાર ઝાપટાંથી અડધો ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ હોવાથી એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમરેલી શહેરમાં બપોર પછી વીજળીના પ્રચંડ કડાકાભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો. શહેરમાં 8 મિ.મી. વરસાદ પડતાં રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં.
બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. યાત્રાધામ અંબાજીમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય કચ્છના નખત્રાણામાં પણ કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.. આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યભરમાં હિટવેવની આગાહી આપી છે.