ભુજઃ ગુજરાતના અમદાવાદ, વડોદરા પછી કચ્છનું પાટનગર ભુજ સૌથી વધુ સંગ્રહાલય ધરાવતું નગર છે, એ આપણા માટે ગૌરવજનક છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌથી વધુ હડપ્પીય વસાહતો પણ એકમાત્ર કચ્છમાં આવેલી છે, પરંતુ કચ્છની એ તમામ હડપ્પીય વસાહતો ઉત્ખનન થયા પછી જેમની તેમ મૂકી દેવાઈ છે, એકમાત્ર ધોળાવીરા જીવંત હોય એવું લાગે.
કચ્છમાં ધોળાવીરા ઉપરાંત કુરન, ખીરસરા, કાનમેર, શિકારપુર, દેશલપર, ધાણેટી, સુરકોટડા સહિત અનેક વસાહતોમાં દોઢથી બે દાયકા અગાઉ ઉત્ખનન કરાયું એ પછી મળી આવેલા અલભ્ય નમૂના અભ્યાસઅર્થે જિલ્લા બહાર ગયા પછી તેના પૃથક્કરણનો કે અન્ય કોઈ અહેવાલ બહાર આવ્યો નથી કે એ નમૂના પરત કચ્છમાં પણ આવ્યા નથી. કચ્છની ધરતી આપણી હડપ્પીય વસાહતો, આપણી પાંચ હજાર વર્ષ જૂની પરંપરા, ભવન નિર્માણ, ગટર વ્યવસ્થા જેવી અનેક બાબતોને સાચવીને બેઠી છે, ત્યારે જનતાએ કચ્છની હડપ્પીય વસાહતોને ખુલ્લા સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવે તે જરૂરી છે.