ગોંડલ: વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસની નેમ સાથે વિદ્યાની સોડમ પ્રસરાવતા વિદ્યાતીર્થ સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળના 59મા વાર્ષિકોત્સવની પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. રવિવારે સવારે સ્વામીની પ્રાતઃપુજામાં વિદ્યાર્થીઓએ કિર્તનભક્તિ પ્રસ્તુત કરી હતી તો મહંત સ્વામી મહારાજે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા કહ્યું હતું કે અભ્યાસ ખુબ ધ્યાનથી કરજો. પરીક્ષાથી ધ્રૂજવું નહીં, પરંતુ પરીક્ષા ધ્રૂજે તેવી તૈયારી કરીને ફર્સ્ટ નંબર લાવજો.
વાર્ષિકોત્સવ ઉજવણીના પ્રારંભે ‘મુજ સંગાથે મહંત સ્વામી, હર પલ હાર સ્થલ...’ મધ્યવર્તી વિચાર સાથે વિવિધ રસપ્રદ કાર્યક્રમો રજૂ થયા હતા. શબ્દ અને સંગીતના તાલે નૃત્યાંજલિથી સ્વામીના આગમનને વધાવવામાં આવ્યું હતું. તો ‘આજની યુવાનીના બે ચહેરાઃ એક ભવ્ય અને બીજો કરુણ’ વિષયક માઈમની ઉત્તમ પ્રસ્તુતિએ સૌને અભિભુત કર્યા. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે વિદ્યાર્થીઓના મિત્ર કે પિતા બનીને તેમના જીવનમાં અંગત રસ લઈ તેમની જીવનનૌકાને કઇ રીતે મઝધારેથી કિનારે પહોંચાડી છે તેની ચોટદાર સંવાદ દ્વારા રજૂઆત કરી હતી. શિક્ષણમાં સર્વોત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓ પર મહંત સ્વામી મહારાજે કૃપા આશિષ વરસાવ્યા હતા.
વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરીમાં મહંત સ્વામીએ અભ્યાસલક્ષી અને જીવનલક્ષી ઉત્તમ માર્ગદર્શન સાથે આશીર્વચન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્ઞાનજીવનદાસજી ગુરુકુળમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ધોરણ છથી 12ના વર્ગોમાં 2500 વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે છે. ગોંડલના વિદ્યાર્થીઓ માટે પણ અક્ષર મંદિર સામે એક સ્કૂલ કાર્યરત છે, જેમાં કેજીથી ધો. 12 સાયન્સ અને કોમર્સ સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 2000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઉપરાંત જૂન-2018થી કન્યાઓ માટે ગુજરાતી તથા અંગ્રેજી બન્ને માધ્યમની સ્કૂલ કાર્યરત છે. તેમાં કેજીથી ધો. 12 સાયન્સ અને કોમર્સ સુધી બંને માધ્યમમાં 2000 જેટલી કન્યા સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી છે. આમ ત્રણે સંકુલના મળીને કુલ 6500 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
બીએપીએસ ગોંડલ ખાતે શરદપૂર્ણિમા ઉત્સવની ઉજવણી
બીએપીએસના વડા મહંત સ્વામી દ્વારા ગોંડલ ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે અને અક્ષરમૂર્તિ ગુણાતિતાનંદ સ્વામીના 240મા જન્મોત્સવની ઉજવણી પ્રસંગે 10 હજારથી હરિભક્તોએ હાજરી આપી હતી. મહોત્સવના અંતમાં હરિભક્તો દ્વારા પાંચ આરતીનો અર્ધ્ય પણ આપવામાં આવ્યો હતો. વિદેશથી પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો.