નવસારીઃ દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી, બારડોલી અને વલસાડ બેઠક પર ગત લોકસભામાં ભાજપ જ જીત્યો હતો. સુરત અને નવસારી બેઠક તો ભાજપનો ગઢ મનાય છે. સુરતમાં આપના મતદારોએ સસ્પેન્સ જાળવ્યું છે, જ્યારે બારડોલી અને વલસાડ ગ્રામ્ય વિસ્તારની બેઠક હોવાથી અહીંનું રાજકારણ સહકારિતા પર નિર્ભર છે.
નવસારીમાં માર્જીન વધારવા હરીફાઈ
બીજી તરફ નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ સામે કોંગ્રેસે અંતિમ સમયે નૈષધ દેસાઈને ટિકિટ આપી છે. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સુરત અને નવસારી બેઠક પર ભાજપમાં જ જીતનું માર્જિન વધારવા માટે જાણે હરીફાઈ ચાલી રહી છે. નવસારી બેઠકથી સી.આર. પાટીલ છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ છે. 2019માં તેમણે 6,89,,668 મતની વિક્રમી સરસાઈ મેળવી ચૂંટણી જીતી હતી, જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જીન હતું. 2014માં તેઓએ 4,23,413 મતથી વિજય મેળવ્યો હતો. આમ આ વખતે જીતને ચોક્કસ માનતાં પાટીલ માર્જીન વધારવા માટે જહેમત કરી રહ્યા છે.
સુરતમાં કોંગ્રેસ માટે અપસેટ
સુરતમાં કોંગ્રેસ કરતાં આપનો વોટ શેર વધુ છે, છતાં ગઠબંધને કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપી આ બેઠક ભાજપને 6 લાખ માર્જિન મેળવવા માટે ધરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અધૂરામાં પૂરું કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ ચૂંટણીપંચ દ્વારા રદ કરવામાં આવતાં આ બેઠક પર ભાજપ ઉમેદવાર મૂકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા.
બારડોલીમાં ભાજપે પ્રભુ વસાવાને ત્રીજી વખત ઉતાર્યા
બારડોલી બેઠક પર 2009માં પહેલી વખત અહીં કોંગ્રેસના તુષાર ચૌધરીનો વિજય થયો હતો. પ્રભુ વસાવા 2012માં કોંગ્રેસ તરફથી વિધાનસભામાં જીત્યા હતા, બાદમાં 2014 અને 2019 લોકસભામાં તેમણે ભાજપ તરફથી લડ્યા હતા અને બંને વખત તેમણે તુષાર ચૌધરીને હરાવ્યા હતા.
વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે જંગ
લોકમાન્યતા એવી પણ છે કે, વલસાડ બેઠક પર જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલને ઉતાર્યા છે. જેની સામે ભાજપે અજાણ્યા ચહેરા ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઉતારતાં અહીં ભાજપમાં જ અસંતોષ છે. વલસાડ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.