પ્રધાનમંત્રીનાં કાર્યોથી પ્રભાવિત વિદેશના કાર્યકરો પણ પ્રચાર માટે મેદાનમાં

બાદલ લખલાણી Wednesday 24th April 2024 06:42 EDT
 
 

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિલ્હીની કમાન સંભાળવા માટે યોજાનારી લોકસભા 2024ની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીની ગરમીના આ માહોલમાં ઉમેદવારો પ્રચારમાં જોતરાઈ ગયા છે, જેમને સાથ આપતાં કાર્યકરો પણ પોતાનું લોહી અને પરસેવો રેડી તનતોડ મહેનત કરી રહ્યા છે. જોવાનું એ છે કે ભાજપના આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક સ્તરે તો કાર્યકરો તૈયારી કરી જ રહ્યા છે, પરંતુ વિદેશથી પણ કાર્યકરો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. આવા જ એક કાર્યકર છે ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપીના ગુજરાત ચેપ્ટરના કન્વીનર દીપકભાઈ પટેલ, જેઓ યુકેમાં રહીને ભાજપને સાથ તો આપી જ રહ્યા છે, સાથોસાથ પોતાના ગુજરાતના મતવિસ્તાર પર આવીને પણ ભાજપની સરકાર ફરી રચાય તે માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના આ ચૂંટણી અભિયાન અંગે દીપકભાઈ પટેલે ગુજરાત સમાચાર સાથે ખાસ વાતચીત કરી. દીપકભાઈએ જણાવ્યું કે, આ વખતની ચૂંટણી ખૂબ ખાસ છે, આ વખતે ભાજપ પોતાની જીતની હેટટ્રિક મારવા જઈ રહ્યો છે. આ માટે યુકેથી અને અન્ય દેશોથી ખાસ આયોજનો થઈ રહ્યાં છે. ત્યાં સુધી કે યુકેથી અમારી સાત સભ્યોની ટીમ ખાસ ગુજરાતની વિવિધ લોકસભા સીટ માટે પ્રચાર કરવા આવી રહી છે, જેમાં હું પણ સામેલ છું.
હું અને મારી ટીમ 23 એપ્રિલે ઇન્ડિયા આવી રહ્યા છીએ. જ્યાં હું આણંદ, નડિયાદ, અમદાવાદ ઇસ્ટ, અમદાવાદ વેસ્ટ અને ગાંધીનગર માટે પ્રચાર અભિયાનમાં જોડાઈશ. નડિયાદ મારા માટે ખાસ છે, કારણ કે મારું વતન દસક્રોઈનું વીસલપુર પણ તેમાં સામેલ છે. આણંદના ઉમેદવાર મિતેશભાઈ પટેલ કાયમ એનઆરઆઇ માટે મદદરૂપ થાય છે, જેથી તેમના માટે પણ હું ખાસ પ્રચાર અભિયાનમાં જોડાઈશ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક પર પણ હું પ્રચાર કરવાનો છું.
દીપકભાઈએ જણાવ્યું કે, આ ચૂંટણીના ઉપલક્ષ્યમાં યુકેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા ભારતનાં તમામ 28 રાજ્યનાં ચેપ્ટર બનાવાયાં છે, જે પૈકી ગુજરાત ચેપ્ટર દિગંતભાઈ સોમપુરા દ્વારા સંચાલિત કરાય છે, જેમાં હું કન્વીનર છું. ગુજરાત ચેપ્ટર દ્વારા અહીં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.બી. પટેલે પણ વિશેષ હાજરી આપી હતી. આ રેલીમાં 250થી વધુ કાર લઈ 450 લોકો જોડાયા હતા. આવનારા દિવસોમાં એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1200થી 1300 બાઇક પર અંદાજે 2000થી 2500 લોકો જોડાશે. દીપકભાઈએ જણાવ્યું કે, યુકેમાં વસતા 1300 ભારતીયો આ વખતે ખાસ મતદાન કરવા ભારત આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના યુકે પ્રવાસ બાદ જે સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે, જેનાથી ભારતીયો માટે નવી આશા બંધાઈ છે, જે મુજબ અહીં વસતા 2.1 મિલિયન ભારતીયો અને 8 લાખ ગુજરાતીઓ પ્રધાનમંત્રી માટે તમામ બનતી મદદ કરવા માટે તત્પર રહે છે.
પ્રધાનમંત્રીનાં કાર્યોથી પ્રશંસા કરતાં દીપકભાઈએ જણાવ્યું કે, 17 વર્ષ યુકેમાં રહ્યા બાદ મેં અનુભવ્યું કે, મોદીએ જે ઇન્ડિયન ડાયસ્પોરાને કનેક્ટ કર્યાં છે તેવું આજસુધી ક્યારેય થયું નથી. પહેલાં ભારતને અથવા ભારતીયોને કંઈ ખાસ ગણકારવામાં આવતાં નહોતાં, પરંતુ તેમના દ્વારા પ્રોત્સાહિત કરાતા રાજદ્વારી સંબંધો, સરકારની નીતિ હેઠળની બિઝનેસ ડીલના કારણે અહીં ભારતીયોને વિશેષ સ્થાન મળ્યું છે.
ભાજપ સરકારના શાસનમાં એનઆરઆઇના જે પ્રોબ્લેમ્સ છે તે પ્રત્યે ધ્યાન લેવામાં આવે છે. જેમાં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને હવે એસ. જયશંકરનું કામ કાબિલેદાદ છે. આ લોકો સુધી નાનાથી નાનો માણસ વિના વિઘ્ને પહોંચી શકે છે. જેમની મુસીબતનું નિરાકરણ પણ થઈ જાય છે. ભારતનો વિકાસ જોઈ અહીં વસતા ઘણા લોકો ત્યાં સ્થળાંતર કરી રહ્યા છે.
આપણે એક એવા પ્રધાનમંત્રી જોયા છે, જેમનો 360 ડિગ્રીનો દૃષ્ટિકોણ નાનકડા પણ જરૂરી મુદ્દા ગણાતા ટોઇલેટ અને સ્વચ્છ ભારત અભિયાનથી લઈને વિશ્વમાં નામના અપાવતા સ્પેસ ક્ષેત્ર સુધી વિસ્તરેલો છે. તેમણે આપણા ગરબાને યુનેસ્કોમાં સ્થાન અપાવ્યું તે પણ મોટું યોગદાન છે. દીપકભાઈએ જણાવ્યું કે, ચૂંટણીના આ સરોવરમાં એક ટીપું બનીને યોગદાન આપવાના આશયથી મેં આ ચૂંટણી અભિયાનને ધ્યાને રાખી કોઈ હોલિડે નથી લીધી, જે 17 રજા એકસાથે લઈ હું ત્યાં ચૂંટણી અભિયાનમાં જોડાવા આતુર છું.
ભાજપે ગત લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોના તમામ મુદ્દાને પૂર્ણ કરી દીધા છે, અમારે તો તેને જ લોકો સમક્ષ મૂકવાના છે. આ ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપ 380થી વધુ બેઠકો મેળવશે, જ્યારે એનડીએ 400+ બેઠકો મેળવશે. આમ ભાજપની જીત નિશ્ચિત છે અને એટલે જ ચૂંટણી જીત પછીના 100 દિવસનું પણ મોદી સાહેબે એડવાન્સ પ્લાનિંગ કરી લીધું છે.


comments powered by Disqus