અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપની 11 બેઠકો ઘટાડી છે. એકાદ મહિના પહેલાં ચૂંટણી સટ્ટાની શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટનો અંદાજ વ્યક્ત કરતાં બુકીબજારે એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે ભાજપની 319 સીટો અંદાજી હતી. હવે 14 દિવસ અને પ્રથમ તબક્કાના મતદાન પછી ભાજપની કુલ સીટોમાં વધુ ઘટાડો કરીને 308થી 311 બેઠકો જીતશે કે નહીં તેના ઉપર બુકિંગ શરૂ કર્યું છે.
પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત સહિત કુલ 102 બેઠકો હતી, જે ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હતી, જેમાં ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાવમાં બદલાવ કર્યો. મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટાબજારે ફેન્સી સોદા પણ શરૂ કર્યા છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે મતદાનના તબક્કા પસાર થતા જશે તે મુજબ ભાવ બદલાશે.