સુરતઃ સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનુ ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર મૂકેશ દલાલને વિજેતા જાહેર કરાયા છે. આમ મતદાન પહેલાં જ આખા દેશમાં ભાજપને ફાળે પ્રથમ બેઠક ગઈ છે. બીજી તરફ કોંગ્રેસે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે કે, સુરત લોકસભા બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવે.
દિલ્હીમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી સહિતના અગ્રણીઓએ ચૂંટણીપંચ સમક્ષ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને લઈને સ્થાનિક તંત્ર ભાજપનો હાથો બન્યો હોવાની રજૂઆત કરી ચૂંટણી સ્થગિત કરવા માગ કરી છે. રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે કે, તાનાશાહની અસલી સૂરત ફરી દેશની સામે છે. પ્રજા પાસેથી નેતા ચૂંટવાનો અધિકાર પણ છીનવી લેવાયો છે. બાબાસાહેબના બંધારણને ખતમ કરવાનો આ એક પ્રયાસ કરાયો છે. હું ફરીવાર કહી રહ્યો છું કે, આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી પણ દેશ બચાવવાની ચૂંટણી છે.