સુરતઃ લોકસભાની સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ઉમેદવારી પત્ર સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ રદ કરી દેતાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. ડમી ઉમેદવારો સાથે કોંગ્રેસના મુખ્ય ઉમેદવારનું પણ ફોર્મ રદ થઈ જતાં ભાજપ ઉમેદવાર મૂકેશ દલાલ બિનહરીફ વિજેતા બની ગયા છે.
ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના ટેકેદારો જેન્યુઇન ન હોવાનું કહીને વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ બાદ બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ અંતે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ કરાયું હતું. બીજી તરફ અન્ય અપક્ષ અને નાના પક્ષ મળીને 9 ઉમેદવાર દ્વારા ઉમેદવારી પરત ખેંચતાં મૂકેશભાઈ દલાલ બિનહરીફ જાહેર થયા હતા.
કુંભાણીના ટેકેદાર કોંગ્રેસ કાર્યકર નહીં પણ સગાં
સમગ્ર પ્રકરણમાં જવાબદાર સામે પગલાં ભરવાની માગ સાથે કાર્યકરોએ નિલેશ કુંભાણીને ટિકિટ અપાવવામાં ભલામણ કરનારું કોણ છે તેની પણ તપાસ કરવા માગણી કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તાએ તો કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર કોંગ્રેસના કાર્યકર નહીં પણ તેમના સગાં હોવાનું સ્વીકાર્યું હતું, સાથોસાથ આ પ્રકરણમાં પક્ષની પણ ભૂલ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.