ભાવનગરઃ દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24X4માં કોઈપણ સમયે લાઈનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમબહેન બાંભણિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતાં આજે સ્માર્ટ એફ.પી.એસ. પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કન્ટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.