અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર ફાસ્ટટ્રેક ઈમિગ્રેશન પ્રોગ્રામ શરૂ થશે

Wednesday 25th September 2024 02:13 EDT
 
 

નવી દિલ્હીઃ પ્રિ-વેરિફાઇડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડધારકો માટે ઇમિગ્રેશન પ્રક્રિયાને ફાસ્ટટ્રેક પર મૂકતા પ્રોગ્રામનો હવે ટૂંક સમયમાં અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દેશનાં અન્ય ત્રણ મોટાં એરપોર્ટ પર અમલ કરાશે. સૌપ્રથમ 22 જૂને દિલ્હીના IGI એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP) શરૂ કરાયો હતો. આ પ્રોગ્રામથી મુસાફરોને ઝડપી, પરેશાનીરહિત અને સુખદ મુસાફરીનો અનુભવ થશે. આ ઉપરાંત બિઝી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભીડ ઘટાડવાની અને ઇમિગ્રેશન ક્લિયરન્સની લાંબી લાઇનમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આ પ્રોગ્રામ હેઠળ ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન સેવાનો લાભ લેવા અત્યાર સુધી 18,400 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. અધિકારીએ જણાવ્યું કે, દેશનાં મહત્ત્વના એરપોર્ટ સહિત અમદાવાદમાં FTI-TTP શરૂ કરવા તૈયારી ચાલે છે.
મુસાફરો ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે
અમદાવાદ એરપોર્ટ પર હવે બિનભારતીય મુસાફરો નિઃશુલ્ક ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે, જેના માટે વાઇફાઇ સેવા શરૂ કરાઈ છે. આ સેવાનો ઉપયોગ પ્રવાસીઓ વાઇ-ફાઇ કૂપનથી લઈ શકશે. એરપોર્ટ પર બિનભારતીય સિમકાર્ડધારકો સહિતના મુસાફરો માટે કૂપન ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં હાલ ટર્મિનલ-1 અને ટર્મિનલ-2માં વાઇફાઇ કૂપન ડિસ્પેન્સર્સ મૂકવામાં આવ્યાં છે. હવેથી બિનભારતીય મુસાફરોને પણ વાઇફાઇની સુવિધા એરપોર્ટ પર પૂરી પડાશે. મુસાફરો અમદાવાદ એરપોર્ટ ખાતે 120 મિનિટ ફ્રી વાઈ-ફાઈનો આનંદ માણી શકે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત મુસાફરોને વિવિધ સમસ્યાથી છુટકારો મળે અને મુસાફરી સરળ અને ઝડપી બને તેને લઈ અદાણી વન એપ લોન્ચ કરી છે, જેના દ્વારા વિવિધ અપડેટ મળી રહેશે.


comments powered by Disqus