વિવિધ વિષયોનું રસપાન કરાવતા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 29મા અધ્યાયમાં એક એવા વ્યક્તિત્વની ઓળખ થઈ, જે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી મેડિસિનના પ્રણેતા અને પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇમર્જન્સી મેડિસિન (IFEM)ના પ્રથમ વર્લ્ડ પ્રેસિડેન્ટ છે. ડો. ગૌતમ બોડીવાલાએ તેમના પ્રયાસો થકી વિશ્વભરમાં એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની વ્યાખ્યા જ બદલી દીધી છે.
પ્રકાશક તંત્રી સી.બી. પટેલે ‘સોનેરી સંગત’ કાર્યક્રમનું સંચાલન કરતાં કહ્યું કે, આશરે 30 વર્ષ પહેલાં મહેન્દ્રભાઈ એમ. પટેલ, રમણિકભાઈ સામાણી, ચંદુભાઈ મચાણી અને ભીખુભાઈ હિન્દુજા જેવા મિત્રોની સાથે તમારો પરિચય થયો હતો. ગૌતમભાઈ અમદાવાદથી આવે છે અને મેડિસિન કર્યું છે. ડોક્ટર તરીકે ન્યુરોલોજીમાં એક્સપર્ટ થયા, પરંતુ દુનિયાભરમાં ઇમર્જન્સી મેડિસિનમાં તેમનો ડંકો વાગે છે. લેસ્ટરના રોયલ ઇન્ફર્મરીમાં ગૌતમ બોડીવાલા એ એન્ડ ઈ ડિપાર્ટમેન્ટ પણ ચાલે છે. તે સમયે બ્રિટન સરકારે સાડા સાત મિલિયન પાઉન્ડનો ખર્ચો કર્યો હતો, જે તમારી સિદ્ધિ દર્શાવે છે.
સી.બી. પટેલઃ અમારા પ્રેક્ષકોને જણાવો કે આપનું બેકગ્રાઉન્ડ શું છે?
ગૌતમ બોડીવાલાઃ કુટુંબમાં મારો મોટો ભાઈ, મારા પિતા આંખના સર્જન હતા. મેં મારા દાદાને જોયા નહોતા, જેમનાં ત્રણ સંતાનો પૈકી મારા પિતા સૌથી મોટા. મારા દાદા નાની ઉંમરે જ ગુજરી ગયા હતા. મારા પિતાના મામા એ પહેલાના જમાનામાં જાવડા સ્ટેટના મેડિકલ ઓફિસર હતા, જેમણે મારા પિતાને ઉછેર્યા. હું પાંચથી છ વર્ષનો હતો, ત્યારે મણિનગરના એક બંગલામાં રહેવા ગયા. સારંગપુર ખાતે તેમનું નર્સિંગ હોમ હતું, છતાં તેઓ ઘરના એક રૂમમાં ઓપરેશન પણ કરતા. ઓપરેશન સમયે હું પણ જઈને ઊભો રહેતો, આમ તેમનાથી પ્રભાવિત થઈને નાનપણથી જ મને ડોક્ટર થવાની ઘેલછા લાગી.
અમદાવાદમાં જૂના જમાનામાં બ્રિટિશ રાજમાં એક પારસીએ આપેલા દાનથી મેડિકલ કોલેજ ઊભી થઈ હતી, જ્યાં મેં મેડિકલ એજ્યુકેશન લીધું અને 1966માં હું ડોક્ટર થયો. હાથની કારીગરીના હિસાબે મને સર્જન થવાની ઇચ્છા હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નાનાભાઈ નાનુભાઈ દેસાઈ મારા પિતાના સમકાલીન હતા. સર્જિકલ ટ્રેનિંગની વાત આવી ત્યારે નાનુભાઈએ કહ્યું હતું કે, બોડીવાલા મારી પાસે ટ્રેઇન થવા આવે. તે જમાનામાં 3 વર્ષની ટ્રેનિંગ બાદ 1969માં હું હાઇક્વોલિફાઇડ સર્જન થયો હતો.
એ જમાનામાં ભારતની જૂજ મેડિકલ કોલેજો પૈકી મારી કોલેજ યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલની માન્યતાપ્રાપ્ત હતી. આમ અમદાવાદમાં બેઠાંબેઠાં મને યુકેમાં પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ મળી ગયું. પિતાના એક મિત્રના ઓળખીતા સધરલેન્ડમાં હતા, જેમના થકી મને પ્રથમ જોબ મળી, પરંતુ મારે કરવું હતું યુરોલોજી. સધરલેન્ડના સર્જન સર રોસે મને આમંત્રણ અને જોબ આપવા આશ્વાસન આપ્યું. આ સમયે અમદાવાદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં હું અને મારા પિતાએ જઈ ટેલિગ્રામ કર્યો અને એર ઇન્ડિયાની ટિકિટ લીધી. આમ ગીતા સાથેનાં લગ્નના 6 મહિના બાદ હું યુકે આવી ગયો.
સી.બી. પટેલઃ તમે જ્યારે યુકે આવ્યા ત્યારે એનએચએસની હાલત કેવી હતી અને અત્યારે કેવી છે?
ગૌતમ બોડીવાલાઃ 12 ઓક્ટોબર 1970એ જ્યારે હોસ્પિટલમાં પ્રવેશ્યો ત્યારે એનએચએસની ત્યારની સ્થિતિ અત્યારથી બિલકુલ વિપરીત હતી. વર્ષો વિતતાં ગયાં તેમ વસ્તી વધતી ગઈ અને એનએચએસ પાસે ડિમાન્ડ વધવા લાગી. આમ સમયાંતરે તેનાં રૂપ-રંગ બદલાવા લાગ્યા. આપણા ટેક્સથી 1948માં એનએસએસ ઊભી થઈ હતી, પરંતુ તેનું રૂપ તે સમયે અલગ હતું.
એડવાન્સમેન્ટની સાથે ડિમાન્ડ વધવા લાગી, જે ડિસીઝ ઓળખાતા નહોતા તેને ઓળખાયા અને તેની પણ સારવાર આપવાની જરૂર પડી. ટેક્નોલોજીમાં ફેર આવ્યો, ઔદ્યોગિકરણ, ટ્રાફિક પણ વધતાં અકસ્માત અને ડિસીઝમાં વધારો થયો. જૂના જમાનામાં કેન્સર ડિટેક્ટ નહોતું થતું, તેની સાથે અન્ય ડિસીઝ પણ ડિટેક્ટ થવા લાગ્યા. આ તમામ કારણોની સાથે વસ્તીવધારો થતાં એનએચએસ પાસે ડિમાન્ડ પણ વધવા લાગી. આવાં અનેક કારણોસર ડિમાન્ડ એન્ડ સપ્લાયનો મેળ થઈ શકતો નથી.
લંડન ફરવા જતાં હું અને ગીતા વચ્ચે ડાર્બીમાં જ્હોન કોલિન્સને મળ્યાં, જેઓ એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સીની વ્યવસ્થા બદલવા માગતા હતા, કહીએ તો આપણે જેને કેઝ્યુલિટી કહીએ છીએ તેને ચેન્જ કરવા માગતા હતા.
જ્હોન કોલિન્સે જણાવ્યું કે, ટ્રોમા ઇન્જરીના પેશન્ટને કઈ રીતે સારવાર આપવી, ઇમર્જન્સીમાં આવતા પેશન્ટની કઈ પ્રથમ સારવાર કરવી તેનો અમે એક પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ, જેમાં તારા જેવા યંગ જુવાનની જરૂર છે. આ સમયે કોઈપણ જાતનો વિચાર કર્યા વિના મેં યુરોલોજી ચેપ્ટર બંધ કરી જ્હોન કોલિન્સ સાથે જોડાઈ ગયો.
તે તમાનામાં કોઈ ઓફિશિયલ ટ્રેનિંગ નહોતી, પરંતુ તેમણે મારા માટે ટ્રેનિંગ બનાવી કે કઈ રીતે આવા દર્દીઓ માટે હું તૈયાર થાઉં. તેમાં હું તૈયાર થયો અને ડાર્બીમાં કન્સલ્ટન્ટ ‘એ એન્ડ ઈ’માં હું પ્રથમ કન્સલ્ટન્ટ તરીકે લાગ્યો. ડાર્બી મેડિકલ સોસાયટીમાં યોજાયેલા એક ડીનરમાં લેસ્ટર મેડિકલ સ્કૂલના તત્કાલીન ડીન અને જનરલ મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ કિલ પેટ્રિક ચીફ ગેસ્ટ હતા, તેમની સાથે મારી મુલાકાત થઈ. કિલ પેટ્રિકે તે સમયે મને કહ્યું, ‘તું લેસ્ટર કેમ નથી આવતો? અમે નવો એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ ઊભો કરી રહ્યા છીએ. મેં તારા અંગે ઘણું સાંભવ્યું છે અને અમારે યુનિવર્સિટીમાં તારા જેવા યંગ પર્સનની જરૂર છે. હું જ્હોન કોલિન્સ સાથે વાત કરી લઈશ, અને તેમને કોઈ વાંધો પણ નહીં હોય.’
હું લેસ્ટર આવ્યો ત્યારે એક્સિડેન્ટ ડિપાર્ટમેન્ટ લથળેલી સ્થિતિમાં હતો, જેને મારે આગળ વધારવાનો હતો. 1977માં એપોઇન્ટ થયો ત્યારે હું સવારે સાડા સાતે જઉં અને સાંજે આઠ વાગ્યે ઘરે પરત આવું. આ સમયે મારી દીકરી જાનકી જન્મી જ હતી. તેમ છતાં 12-12 કલાક કામ કરીને હું ડિપાર્ટમેન્ટને આગળ લાવ્યો. વર્ષ 1983માં ઓડિટ કમિશને જે લેસ્ટર ઓફ ડિપાર્ટમેન્ટ પડી ભાંગેલું હતું તેને દેશના સર્વશ્રેષ્ઠ ડિપાર્ટમેન્ટનો ઇલ્કાબ આપ્યો હતો. મારો આશય માત્ર લેસ્ટરને જ આગળ વધારવાનો નહોતો, સમગ્ર દેશમાં એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી સર્વિસને આગળ વધારવાનો હતો. જેથી મેં કેઝ્યુલિટી સર્જન એસોસિયેશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
કેઝ્યુલિટી સર્જન એસોસિયેશનમાં જોડાયા બાદ વિવિધ હોસ્પિટલ ડાર્બી, નોટિંગહામમાં એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી આગળ વધવાના સફળ પ્રયાસ કર્યા, જે ડોક્ટર અને નર્સીસને ટ્રેઇન કરતાં જ બની શક્યા છે. આ જ કારણે અમે કેઝ્યુલિટી સર્જન એસોસિયેશનની રોયલ કોલેજ ઓફ સર્જનની સેપ્રેટ ફેકલ્ટી બનાવી અને ટ્રેનિંગ કમિટી શરૂ કરી. જે અંતર્ગત અમે એક અભ્યાસક્રમ તૈયાર કર્યો કે કેવી રીતે ડોક્ટરને 5 વર્ષ એક્સિટેન્ટ એન્ડ ઇમર્જન્સીમાં કેવી રીતે ટ્રેનિંગ આપવી.
આ દેશની પ્રથા પ્રમાણે દરેક કોલેજને રોયલનું બિરુદ મળે અને તેમાં એક રોયલ મેમ્બર જોડાય. આ માટે મેં પ્રિન્સેસ આનને પેટ્રન તરીકે આવવા આમંત્રણ આપ્યું, પરંતુ તેમણે મને પ્રેમથી સમય ન હોવાનું જણાવ્યું હતું. જો કે 1989માં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મારી ટીમે પુષ્કળ ભાગ ભજવ્યો, જેને ધ્યાને લઈ પ્રિન્સેસ અમારી સાથે પેટ્રન તરીકે જોડાયાં.
વર્ષ 1984માં અમેરિકામાં કોન્ફરન્સ સમયે મેં 4થી 5 દેશોએ એકત્ર થઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવા પ્રપોઝલ મૂકી, જે સફળ રહેતાં 1986માં પ્રસ્તાવ મૂક્યો કે, આપણે એક વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન કરવાની જરૂર છે. જે અંગે તેની જવાબદારી પણ મને સોંપાઈ. આમ ઇન્ટરનેશનલ ફેડરેશન શરૂ કર્યું અને હું તેનો પ્રથમ ઇલેક્ટેડ વર્લ્ડ પ્રેસિડેન્ટ બન્યો. હું 2003માં રિટાયર્ડ થયો ત્યારે હોસ્પિટલ બોર્ડે નક્કી કર્યું કે, સાડા સાત મિલિયન પાઉન્ડના ખર્ચે જે નવો ડિપાર્ટમેન્ટ ઊભો કરી રહ્યા છીએ, તેનું નામ ગૌતમ બોડીવાલા એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ આપવું. બીજી તરફ મેં ઊભા કરેલા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનમાં મારી પ્રેસિડેન્સી પૂર્ણ થઈ ત્યારે ત્યાંના બોર્ડે નક્કી કર્યું કે, સમગ્ર વિશ્વનો સૌથી મોટો એવોર્ડ ઇન એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડને મારું નામ આપવું જે હતું ‘ગૌતમ બોડીવાલા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ.’
ઇન્ટરનેશનલ ફેડરેશને જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ડેવલપ કર્યું તેના અંતર્ગત હું ‘એ એન્ડ ઈ’નો સંદેશ લઈને વિવિધ દેશની સાથે ભારતમાં પણ ગયો. તે સમયે એપોલો ગ્રૂપના ચેરમેન પ્રતાપ રેડ્ડી અને પ્રેસિડેન્ટ ડો. હરિપ્રસાદે મને બોલાવ્યો અને ભારતની મદદ કરવા અપીલ કરી. આમ મેં 2005માં ઇન્ડિયામાં ‘એ એન્ડ ઈ’ એસ્ટાબ્લિશ કર્યું અને વર્ષ 2006માં પ્રથમ પરીક્ષા લીધી, જેમાં માત્ર 7 ઉમેદવાર જોડાયા હતા. જો કે હાલની સ્થિતિમાં વર્ષમાં 4 સેન્ટરમાં 2 વખત પરીક્ષા લેવાય છે. જે બાદ હોંગકોંગ, સિંગાપોર, મિડલ ઇસ્ટ બધે આ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આમ એક્સિડેન્ટ એન્ડ ઇમર્જન્સી મેડિસિન વર્લ્ડ વાઇડ સ્પેશિયલ થઈ ગઈ છે.