કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી: પ્રથમ તબક્કામાં 63.75 ટકા મતદાન

Wednesday 25th September 2024 03:18 EDT
 
 

શ્રીનગરઃ કલમ-370ની નાબૂદી બાદ પ્રથમવાર યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું 63.75 ટકા મતદાન થયું. જેમાં ઇન્દેરવાલમાં સૌથી વધુ 82.16 ટકા, પડેર નાગસેનીમાં 80.67, કિશ્તવાડમાં 78.24 ટકા મતદાન થયું. તો ત્રાલમાં સૌથી ઓછું 43.56 ટકા મતદાન નોંધાયું હતું.
બિજબહેરા વિધાનસભા બેઠક પર પીડીપી ઉમેદવાર ઇલ્તિઝા મુફ્તીએ મતદાન કર્યું હતું, જે પક્ષ પ્રમુખ મહબૂબા મુફતીનાં પુત્રી છે. કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે મતદાન કર્યું હતું. શગુને આરોપ લગાવ્યા હતા કે, કિશ્તવાડના બાગવાન મહોલ્લામાં ઓળખપત્ર વિના જ મત નખાવવામાં આવ્યા હતા. વિવાદ સર્જાતાં થોડો સમય મતદાન અટકાવવું પડ્યું હતું. પ્રથમ તબક્કાના મતદાન વખતે વિસ્થાપિત થઈને દેશના વિવિધ વિસ્તારમાં રહેતા 35,000 પંડિતોએ પણ મતદાન કર્યું હતું. તેમના માટે દેશમાં વિવિધ સ્થાને 24 જેટલા ખાસ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં 4, જમ્મુમાં 19 તો ઉધમપુરમાં 1 બૂથ ઊભું કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન સંપન્ન થયું. હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન તો 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેનું પરિણામ 8 ઓક્ટોબરે સામે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ રહી છે.


comments powered by Disqus