સુરતઃ સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સહકાર મંત્રાલયની સ્થાપના થયા બાદ ગુજરાતમાં સુગરમિલ ક્ષેત્રે પહેલી ખાનગી સુગરમિલે પગપેસારો કર્યો છે. યુનિયન બેંકની હરાજીમાં માંડવી સુગરમિલને જમીન, મશીનરી, બિલ્ડિંગ સાથે જુન્નર સુગર્સ લિમિટેડે ખરીદી લીધી હતી. હવે ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી સિઝનથી શેરડીની નોંધણીનો આરંભ કર્યો છે. જે સુરતમાં પહેલી સહકારી ક્ષેત્રની કોટનમિલ અને સુગરમિલનો પાયો નખાયો હતો, ત્યાં જ પહેલી ખાનગી સુગર મિલનો પાયો નખાયો છે. ખાનગી સુગરમિલને ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમની મંજૂરી હજુ મળી નથી. જો કે, મિલના કારભારીએ કેન્દ્ર સરકાર પાસે IEMની મંજૂરી માગી છે, જે મળી જશે તો ગુજરાતની પહેલી ખાનગી સુગરમિલ ધમધમતી થઈ જશે.