ચંદ્રયાન-4, શુક્રયાન સહિત 3 મહત્ત્વના પ્રોજેક્ટ્સને લીલીઝંડી

Wednesday 25th September 2024 02:11 EDT
 
 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રીય કેબિનેટે 18 સપ્ટેમ્બરે ઇસરો માટે મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી છે. કેબિનેટે શુક્રયાન એટલે કે વિનસ ઓર્બિટર મિશનને લીલીઝંડી આપી દીધી છે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે ચંદ્રયાન-4 અને ભારતીય સ્પેસ સ્ટેશનને વિકસાવવા પણ મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન અને મંગળયાન બાદ ઇસરોની નજર પૃથ્વીની સૌથી નજીકના ગ્રહ શુક્ર પર છેે.
• ચંદ્રયાન-4 પ્રોજેક્ટ
આ મહત્ત્વાકાંક્ષી યોજના મુજબ ચંદ્રયાન-4 અવકાશ યાનનું લેન્ડર પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. તે લેન્ડર ચંદ્રની ધરતીના ખડકો, પથ્થરો, માટીના નમૂના એકઠા કરી પૃથ્વી પર પરત આવશે.
• વિનસ મિશન
ઇસરોના વિનસ ઓર્બિટર મિશન-શુક્રયાનને પણ મંજૂરી અપાઈ છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 1,236 કરોડ ફાળવાયા છે. વિનસ ઓર્બિટર મિશન એટલે કે શુક્રયાન માર્ચ 2028માં રવાના થવાની શક્યતા છે. વિનસ ઓર્બિટરનો હેતુ શુક્રની ધરતી, પેટાળ, વાતાવરણ, તેના વાતાવરણમાં સૂર્યની અસર વગેરે પાસાંનો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.
• ભારતીય અંતરીક્ષ સ્ટેશન
ભારત સરકારે ભાવિ ભારતીય અંતરીક્ષ સ્ટેશન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. ભારતીય અંતરીક્ષ સ્ટેશન 2035માં તરતું મુકાવાની તૈયારી થઈ રહી છે. જો કે કેન્દ્રીય કેબિનેટે પ્રથમ મોડ્યુલ બનાવવા મંજૂરી આપી દીધી છે, જે 2028માં પ્રયોગરૂપે તરતું મુકાશે.


comments powered by Disqus