વડોદરાઃ 15 સપ્ટેમ્બરથી શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષમાં ચાણોદમાં વિવિધ દેશમાં રહેતા એનઆરઆઇ મોટા પાયે પિતૃતર્પણની વિધિ કરાવી રહ્યા છે. આ વર્ષે ચાણોદમાં 3200 જેટલા એનઆરઆઇ અને વિદેશી નાગરિકોએ ઓનલાઈન અને ચાણોદ આવીને પિંડદાન અને તર્પણ વિધિ કરાવવા બુકિંગ કરાવ્યાં છે. અમેરિકાથી આવેલા અંજન શાહે પિતાના શ્રાદ્ધ નિમિત્તે તેમની પ્રિય વાંસળી વગાડીને પુત્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
ગૌસેવા-બ્રહ્મભોજન પણ બુક કરાવાયાં
16 શ્રાદ્ધ દરમિયાન વિદેશથી રોજના 7 બ્રાહ્મણથી લઈ 51 બ્રાહ્મણ સુધીનાં બ્રહ્મભોજન અને પ્રતિદિનની ગૌસેવા અગાઉથી નક્કી થઈ ચૂકી છે. જેઓની દક્ષિણા પણ ભારતીય ચલણમાં તેમનાં સગાં-સંબંધી દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરાવાઈ છે.
ચાણોદ અને સિદ્ધપુરમાં હજારો તર્પણવિધિ
શ્રાદ્ધ પક્ષના ગણતરીના દિવસોમાં જ ચાણોદ અને સિદ્ધપુરમાં હજારોની સંખ્યામાં લોકોએ તર્પણકાર્ય કરાવ્યું. ચાણોદ ગોરમંડળ અનુસાર શરૂઆતના 4 દિવસમાં 16 હજારથી વધુ તર્પણ વિધિ કરાવાઈ. માતૃગયા સિદ્ધપુરમાં 12 હજારથી વધુ વિધિ કરાવાઈ, જે અંતિમ દિવસો સુધીમાં લાખોની સંખ્યામાં પહોંચશે