ચેન્નઈઃ તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ વધી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ફરી દાવો કર્યો છે કે, ફેટી ઘી સિવાય એમાં ગૌમાંસ, પિગ ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે.
પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ ગુરુવારે 19 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે માહિતી આપી હતી કે, નમૂના 9 જુલાઈ 2024ના રોજ ગુજરાતની લાઇવસ્ટોક લેબોરેટરી, NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ), CALF લિમિટેડ (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ)ને મોકલાયા હતા, જેનો રિપોર્ટ 16 જુલાઈએ મળ્યો હતો. એ સમયથી આ અહેવાલ પબ્લિક ડોમેઇનમાં છે, પરંતુ એની પુષ્ટિ થઈ નથી. રિપોર્ટ જાહેર કરનારી સંસ્થાનું નામ અને સ્થળનો ઉલ્લેખ કરાયો નથી, જ્યાં ટેસ્ટિંગ કરાયું છે. આ અંગે 300 વર્ષ જૂના રસોડામાં રોજ 3.50 લાખ લાડુ બનાવતા મંદિર પ્રશાસન દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
મુખ્યમંત્રીનો જગનમોહન રેડ્ડીની સરકાર પર આરોપ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે 18 સપ્ટેમ્બરે જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની YSRCP સરકાર પર તિરુપતિ પ્રસાદમાં પશુની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જગનમોહન સરકારે પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે. જે કંપની પાસેથી ઘી મગાવાઈ રહ્યું હતું એની સાથે કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરાયો છે. હાલની કંપનીને એક વર્ષ પહેલાં જ સપ્લાયનું ટેન્ડર મળ્યું હતું.
5 કંપનીને કામ સોંપ્યું હતુંઃ જગનમોહન
છેલ્લાં 50 વર્ષથી કર્ણાટક કો.ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) ટ્રસ્ટને રાહતદરે ઘી સપ્લાય કરતું હતું. મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવા ઇનકાર કર્યો હતો, જે બાદ જગન સરકારે 5 કંપનીને સપ્લાયનું કામ આપ્યું હતું.
તિરુપતિ મંદિરનું અનુષ્ઠાન સાથે શુદ્ધિકરણ કરાયું
આંધ્રપ્રદેશમાં આવેલા લોકોના આસ્થા સમાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર કે જેને તિરુપતિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં લડ્ડુ પ્રસાદમમાં પ્રાણીજ ચરબી અને માછલીનું ઓઈલ મિક્સ કરાય છે તેવા અહેવાલોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી. પ્રસાદ બનાવવાની પ્રોસેસમાં કોન્ટ્રેકટર તેમજ ઘીની બ્રાન્ડ બદલવામાં આવ્યા પછી હવે સોમવારે સવારે મંદિરનું અનુષ્ઠાન સાથે શુદ્ધિકરણ કરાયું હતું. મંદિરની શુદ્ધિ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓ સહિત 20 પૂજારી સામેલ થયા હતા. અનુષ્ઠાનમાં લડુ અને અન્ન પ્રસાદમ્ રસોઈઘરની પણ શુદ્ધિ કરવામાં આવી હતી.
મંદિર હવે સંપૂર્ણ શુદ્ધ : પ્રસાદ ઘરે લઈ જઈ શકાશે: પૂજારી
મંદિરના મુખ્ય પૂજારીઓ પૈકી એકે કહ્યું હતું કે અમે સોમવારે સવારે 6 કલાકે ભગવાન વેંકટેશ્વરનાં આશીર્વાદ લઈને મંદિર શુદ્ધ કરવાની કામગીરી તેમજ શાંતિયજ્ઞ શરૂ કર્યો હતો. હવે મંદિર સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયું છે. તમામ ભક્તો ભગવાન બાલાજીના દર્શન કરીને પ્રસાદ ઘરે લઈ જઈ શકે છે.
રૂ. 320 પ્રતિકિલો ખરીદાતું હતું ઘી
ટીટીડીના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે જણાવ્યું કે, એઆર ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલાં 4 ટેન્કરનું ઘી પ્રથમ દૃષ્ટિએ જ ખરાબ દેખાતું હતું. આ ઘી એઆર ફૂડ્સ દ્વારા રૂ. 320 પ્રતિકિલો અપાતું હતું. આ વિવાદ સામે આવ્યા બાદ કંપની દ્વારા પોતાનો બચાવ કરવામાં આવ્યો છે.