ભુજઃ 2021માં ધોળાવીરા વિશ્વવિરાસત સ્થળ જાહેર થયા બાદ હાલ એક તરફ અહીં સ્વદેશ દર્શન યોજના હેઠળ માસ્ટર પ્લાન પ્રમાણે કામો થઈ રહ્યાં છે. તે વચ્ચે ધોળાવીરાની ઉત્તરે ત્રણ કિ.મી. દૂર આવેલી પ્રાચીન પથ્થરોની ખાણ કે જ્યાંથી ધોળાવીરાની સાથે મોહેં-જો-દરો અને છેક હડપ્પા સુધી પથ્થરો પહોંચાડાતા હતા, તેને પણ ભારત સરકારે કેન્દ્રીય રક્ષિત સાઇટ જાહેર કરી છે. અહીં આવેલી બંને પ્રાચીન પથ્થરની ખાણ રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર થતાં જ કચ્છમાં રાષ્ટ્રીય રક્ષિત સ્મારકની સંખ્યા 7 થઈ છે. આગામી સમયમાં ધોળાવીરાની જેમ આ ખાણને જોવા પણ પ્રવાસીઓ ઊમટશે.
પુરાતત્ત્વવિદોને સંશોધન દરમિયાન નગરની ઉત્તરે અંદાજે 3 કિ.મી. દૂર બે ખાણ મળી હતી. સ્થળ પર આકાર આપેલા મોટા પથ્થર મોટી સંખ્યામાં મળી આવ્યા હતા અને આ પથ્થરો હજારો વર્ષથી અહીં જેમની તેમ હાલતમાં હતા. ધોળાવીરાના નગરનિર્માણમાં જે પથ્થરોનો ઉપયોગ થયો હતો, તે આ જ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત અહીંથી જ પથ્થરોનું ખોદકામ અને કટિંગ કરી ધોળાવીરા, મોહેં-જો-દરો અને અન્ય હડપ્પીય શહેરોમાં જળમાર્ગે મોકલાતા હતા. ખૂબ ઓછા લોકોને જાણે છે કે, આ સ્થળ પાસે જ એક પ્રાચીન માનવનિર્મિત જેટી પણ મળી આવી છે.