કોઇપણ આવિષ્કાર સમાજ માટે ક્યાં તો લાભકારી, ક્યાં તો નુકસાનકારક પૂરવાર થાય છે. દરેક ટેકનોલોજી સિક્કાના બે પાસા સમાન છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરાય તો તે સમાજ માટે લાભદાયક રહે છે પરંતુ જો તેનો દુરુપયોગ કરાય તો તે જનહિતને ભરપાઇ ન કરી શકાય તેવું નુકસાન કરે છે. આવું જ કંઇક 21મી સદીની ક્રાંતિકારી શોધ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માટે પણ કહી શકાય. એકતરફ ઇન્ટરનેટ પર જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ બની શકે છે તો મોટાપાયે દુષણોની પણ ભરમાર રહેલી છે. ઇન્ટરનેટના કારણે આજે દુનિયા માનવીની હથેળી અને ફિંગરટીપ પર આવી ગઇ છે પરંતુ આજ ઇન્ટરનેટ માનવીના હાથે કુકર્મોને અંજામ આપવામાં પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. સમાજમાં આજે બળાત્કાર અને જાતીય શોષણ માઝા મૂકી રહ્યાં છે. તેના માટે પણ ઇન્ટરનેટ જવાબદાર છે.
તાજેતરમાં જ યુકેના હોમ સેક્રેટરીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે યુવાનો અને સગીરો સૌથી વધુ હિંસક પોર્નોગ્રાફી જોઇ રહ્યાં છે જે વિચલિત કરનારી બાબત છે. પોર્નોગ્રાફી યુવાઓમાં સેક્સ અંગેના વિચારો ધરમૂળથી બદલી રહ્યાં છે. આ દુષણના કારણે સગીરાઓ અને યુવતીઓની સુરક્ષા ભયાનક રીતે જોખમાઇ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુકેમાં સૌથી વધુ બળાત્કાર અને જાતીય શોષણની ઘટનાઓ 14 વર્ષી સગીરાઓ સાથે બની રહી છે. પોલીસમાં નોંધાયેલી ઘટનાઓ પૈકીની ત્રીજા ભાગની ઘટનાઓમાં 18 વર્ષથી નાની સગીરાઓ બળાત્કારનો ભોગ બની હતી. આંકડા દર્શાવે છે કે નાની વયની યુવતીઓ પર બળાત્કારનું દુષણ વકરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાઓમાં 15 વર્ષથી નાની કન્યાઓની સંખ્યા મોટી રહી હતી. પોલીસ દ્વારા નોંધાયેલા બળાત્કારના 31,603 કેસમાં 9928 18 વર્ષથી નાની સગીરાઓ હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 31 પોલીસ વિભાગો દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 2023-24માં 14 વર્ષની 1458 સગીરાઓ બળાત્કારનો ભોગ બની હતી. યુકેમાં બળાત્કાર ભયાનક દાનવનું સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. માર્ચ 2023થી માર્ચ 2024ની વચ્ચે દેશમાં બળાત્કારના 68000 કેસ નોંધાઇ ચૂક્યાં છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બાળકો દ્વારા બળાત્કાર, સેક્સ્યુઅલ એસોલ્ટ અને શોષણની ઘટનાઓ વિચલિત કરે તેવા સ્તરે વધી રહી છે. શાળા પરિસરમાં બળાત્કાર અથવા જાતીય શોષણની ઘટનાઓમાં 81 ટકા જેવો ભયાવહ વધારો જોવા મળ્યો છે. આના માટે ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ થતી હિંસક પોર્નોગ્રાફી મુખ્યત્વે જવાબદાર છે.
આ દુષણમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પરિમાણ ઉમેરાવાનું છે. એઆઇનો દુરુપયોગ વધુ સગીરાઓ અને યુવતીઓને ભોગ બનાવે તેવી પણ શંકા સેવાઇ રહી છે. 2019થી 2022 વચ્ચે સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટનાઓમાં 40 ટકાનો વધારો નોંધાયો હતો અને તેમાં પીડિત કે અપરાધી 18 વર્ષથી ઓછી વયના હતા. આના માટે નાની ઊંમરથી જ હાથવગી થઇ રહેલી પોર્નોગ્રાફી જવાબદાર છે. સરેરાશ 13 વર્ષની ઊંમરે જ બાળક પહેલીવાર પોર્નોગ્રાફી જોઇ લે છે. 18 વર્ષના થતાં પહેલાં 79 ટકા સગીરો હિંસક પોર્નોગ્રાફીનો સ્વાદ ચાખી ચૂક્યાં હોય છે. અત્યાધુનિક ટેકનોલોજી લઇને આવેલી 21મી સદીમાં પોર્નોગ્રાફી સૌથી ભયાનક પૂરવાર થઇ રહી છે. માતાપિતાએ પોતાના બાળકને અપરાધી બનતાં અટકાવવા માટે આ દુષણનો ભોગ ન બને તેની વિશેષ કાળજી લેવી પડશે.