ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી (RE) પરિષદના ગુજરાત સત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ રૂ. 1.79 લાખ કરોડની કિંમતના મૂડીરોકાણ માટે 4 એમઓયુ થયા હતા. જેમાં બે એમઓયુ સરકારી અને ખાનગી કંપનીઓ વચ્ચે છે.
અવાડા એનર્જી કંપની અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વચ્ચે રૂ. 85 હજાર કરોડના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે તથા જુનિપર ગ્રીન એનર્જી કંપની અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વચ્ચે રૂ. 30 હજાર કરોડનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા એમઓયુ થયા છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન-જીસેક તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે રૂ. 59 હજાર કરોડનો, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 5 હજાર કરોડના એમઓયુ થયા.
RE ક્ષેત્રનું રૂ. 32.45 લાખ કરોડના રોકાણ માટે કમિટમેન્ટ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે, ચોથી રિન્યુએબલ પરિષદના બીજા દિવસ સુધી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં રૂ. 32.45 લાખ કરોડનાં નવાં રોકાણ માટે કમિટમેન્ટ મળ્યાં છે. એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં પહેલા 100 દિવસમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 4.5 ગિગાવોટ કેપેસિટી ઊભી કરવાના લક્ષ્યાંક સામે 6 ગિગાવોટની કેપેસિટી ઊભી થઈ ચૂકી છે.