ભારતીય સ્વાતંત્ર્ય જંગ એકલા ભારત પૂરતો મર્યાદિત ક્યારેય રહ્યો નથી. દૂર દેશાવરોમાં, અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, થાઈલેંડ, ઈરાન, આયર્લેંડ ,અફઘાનિસ્થાન, ફ્રાંસ, રશિયા સુધી તેનો વિસ્તાર હતો. વીસમી સદીની શરૂઆતથી 1945 સુધીમાં ત્યાં સમિતિઓ રચાઇ, જહાજોમાં વિપ્લવીઓને ભારતમાં મોકલાયા, અખબારો બહાર પાડ્યા, ઈન્ડિયા હાઉસ જેવા ક્રાંતિ સ્થાનો ઊભા થયા. જર્મની અને બીજે વિશ્વયુદ્ધોમાં અંગ્રેજ વિરોધી સત્તાઓની સાથે હાથ મિલાવ્યા. આઝાદ હિંદુસ્તાન સરકારો રચવામાં આવી. અભિનવ ભારત, બર્લિન કમિટી, ગદર પાર્ટી જેવી લડાયક સંસ્થાઓ રચાઇ. વડોદરાના રાજવી ગાયકવાડ જ્યારે વિદેશના પ્રવાસે ગયા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ચેતવણી આપી હતી કે આ સાથે અમે 50 લોકોની યાદી મોકલીએ છીએ તે બધા બ્રિટિશ સરકારને ઉથલાવવા માટે કામ કરે છે, મહારાજાએ તેમને મળવું ઠીક નથી. અને તેમાના કેટલાક તો હતા આપણાં ગુજરાતી ક્રાંતિકારો!
થોડાંક નામો જાણવા જેવાં છે, સાવ આપણી આસપાસના.એક હતા નીતિસેન દ્વારિકાદાસ. મુંબઈ નળ બજારના જાણીતા કાપડના વેપારી દ્વારિકાદાસ લલ્લુભાઈના પુત્ર. શ્યામજી કૃષ્ણવર્માના પત્ની ભાનુમતીના ભત્રીજા-ભાઈ થાય. 1902માં કાનુનના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવા માટે લંડન પહોંચ્યા. ઈસ્ટર્ન એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીની સ્થાપના કરી. પણ કામ તો ક્રાંતિ પ્રવૃત્તિનું. 1907 સુધી શ્યામજી કૃષ્ણવર્માના ઐતિહાસિક ઈન્ડિયા હાઉસના મંત્રી રહ્યા. આ ઈન્ડિયા હાઉસમાં જ વીર વિનાયક રાવ દામોદર સાવરકરે 1857 વિશેનો સાચુકલો ઇતિહાસ લખ્યો. અહીના પંજાબી જુવાન મદનલાલ ધીંગરાએ રોયલ ઈન્સ્ટિટ્યૂટમાં અંગ્રેજ અધિકારી લોર્ડ કર્ઝન વાયલીને ઠાર મારીને, નિરાંતે ઊભો રહ્યો, પોલીસે પકડ્યો. વિના દલીલ. વિના વકીલ મુકદ્દમામાં ફાંસીની સજા મળી. નીતિસેન મુંબાઇમાં લોકમાન્ય તિલક મહારાજ પર ચાલેલા મુકદ્દમાની વિગતો આપતું પુસ્તક લંડનમાં છપાવ્યું અને ત્યાં તેની 250 નકલોનું વિતરણ કર્યું. ઇંદુલાલ યાજ્ઞિકે પણ સાવરકરના “1857” પુસ્તકોની કેટલીક નકલ લઈને લંડનમાં વેંચી હતી. નીતિસેનને પણ તેઓ મળ્યા હતા. નીતિસેનનું નિવાસસ્થાન હતું 128, હોલાંડ પાર્ક એવેન્યુ. ત્યાં ભારતીય ક્રાંતિકારોની બેઠકો થતી. તેમણે હિન્દ નેશનલિસ્ટ એજન્સીની સ્થાપના પણ કરી. લિંકન્સ ઇનમાં તેઓ બેરિસ્ટર થયા. . અને 1909માં મદનલાલ ધિંગરાને ફાંસી મળી ત્યારે તેના હિન્દુ તરીકે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહ સોંપવા અરજી કરી હતી. એના જવાબમાં શહીદનો મૃતદેહ તો ના મળ્યો પણ લંડન પોલીસે તેના પર વોરંટ બજાવ્યું. સાવરકર લંડનથી પકડાયા અને ફ્રાન્સના મારસેલ્સ બન્દરગાહ નજીક આવતા સમુદ્રમાં મુક્તિ-ભૂસકો માર્યો હતો, ફ્રેંચ પોલીસે તેમને પકડી લીધા ત્યારે હેગ અદાલતમા કેસ ચાલ્યો તેમાં સાવરકર તરફથી કાનૂની લડાઈ માટે નીતિસેન લંડનથી ફ્રાંસ પહોંચ્યા હતા! આ દેશભક્ત પણ શ્યામજીની જેમ જલાવતન રહ્યા, ભારત ક્યારેય પાછા વળી શક્યા નહિ.
બીજા એવા ગુજરાતી જેઠાલાલ મોતીલાલ પરીખ. કઠલાલ (કપડવંજ) તેમનું જન્મસ્થન. બ્રિટન પહોંચ્યા, ત્યાં લગ્ન કર્યા, બેરિસ્ટર બન્યા. 1905ની નવમી મેના દિવસે લંડનમાં ઇંડિયન રેસ્ટોરન્ટમાં એક મેળાવડો થયો. શાના માટે? અંગ્રેજોએ 1857ના સ્વાતંત્ર્ય જંગને સિપાહીઓનો બળવો અને ફીતુર ગણાવતો ઇતિહાસ તૈયાર કરાવ્યો હતો. તેને જવાબ આપવા, સાચુકલો ઇતિહાસ દર્શાવવા અહી ઉજવણી થઈ. (અત્યારના ત્યાના ગુજરાતીઓએ ઇતિહાસ-શૂન્યનું મહેણું ભાંગવું હોય તો આ અને આવી બીજી જગ્યાઓ શોધી કાઢવી જોઈએ. ને સ્મૃતિ સ્થાન બનાવવા જોઈએ) આ પર્વની ઉજવણીના અધ્યક્ષ જે.એમ. પરીખ એટ્લે કે કઠલાલના જેઠાલાલ પરિખ હતા. તેમણે બેઠકને સંબોધીને કહ્યું કે ગુલામ રહેવા કરતાં દેશે બલિદાન તરફ આગળ વધવું પડશે. (કઠલાલની પ્રજા, નેતાઓ, શાળા કોલેજો ને આની ખબર હશે?
તેમણે પણ ક્રાંતિકારોને મદદ કરી. તિલક મહારાજનો મુક્દ્દ્મો લડવા ઈંગ્લેન્ડથી મુંબઈ આવી પહોંચ્યા. બિપીનચંદ્ર પાલની સાથે હિન્દ બિરાદરીની સ્થાપના કરી.
વીસમી સદીના પ્રારંભથી આ ગુજરાતીઓ લંડન પેરિસ અને ન્યૂયોર્કમાં સ્થાપિત થયા અને ક્રાંતિ પ્રવૃત્તિ કરી. નટવર લાલ વિનાયક આચાર્ય સિદ્ધરાજ-ખ્યાત પાટણના હતા. મન્ચેરશા બરજોરજી ગોદરેજ (ગોદરેજ ઉદ્યોગના સ્થાપકોમાના એક) ગોવિંદ અને ચતુર્ભુજ અમીન (વીરસદ-બોરસદ) શાપુરજી સકલાતવાલા અમદાવાદના. આ છેલ્લા પારસી અને મેડમ કામા બે છેડાના. શપુરજી કટ્ટર સામ્યવાદી.
ઇંદુલાલ લંડનમાં બેસીને શ્યામજી કૃષ્ણ વર્માનું જીવંચરિત લખી રહ્યા હતા ત્યારે શાપુરજીએ તેમને કહ્યું કે શ્યામજી તો અંગ્રેજોનો એજન્ટ હતો. ઇન્દુલાલે જવાબ આપ્યો કે હું તો તેમનું જીવન લખીશ જ. હું એમને પરમ રાષ્ટ્રભક્ત ગણું છું,( ઇંદુલાલ યાગ્નિકે 1930માં અંગ્રેજીમાં લખેલા શ્યામજીના જીવનનો હવે ગુજરાતી અનુવાદ પ્રાપ્ય બનશે. )
ઇતિહાસના અંધારે ગૂમ થયેલું, અથવા ગુમ કરાયેલું સત્ય એ છે કે ગરવા ગુજરાતીઓએ સત્યાગ્રહ અને અસહકારમાં જેમ ઉત્કટતાથી ભાગ લીધો હતો તે જ રીતે બલિદાની પંથના સશસ્ત્ર જંગમાં પણ ભાગ લીધો હતો. અહી તો માત્ર લંડનમાં વીસમી સદીના પ્રારંભે જે ગુજરાતીઓએ બ્રિટિશ ધરતી પર નીડરતાથી સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી તેના થોડાંક જ નામો ગણાવ્યા. બેરિસ્ટર સરદાર સિંહ રાણા, નંદલાલ ઝવેરી, મેડમ કામા એવા બીજા ત્રણ તેજસ્વી નામ. મેડમ કામાને આખું ફ્રાંસ “ક્રાંતિ માતા” તરીકે ઓળખતા. મેકઝીમ ગોર્કીના અખબારમાં તે લખતા. અને મેડમ કામાના વંદેમાતરમમાં ગોર્કીના લેખો આવતા. ગોર્કી પંડિત શ્યામજીને ભારતના મેઝીની તરીકે માન આપતા.
ઇતિહાસબોધના આ કેવાં કેવાં પાત્રો હતા?