અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના સાત દિવસીય મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે સાત દિવસ દરમિયાન કુલ 32.54 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કર્યાં હતાં.
મેળામાં યાત્રિકોનો ધરખમ ઘટાડો
મા અંબાનો મેળો દરવર્ષની તુલનાએ થોડો નિરસ જોવા મળ્યો. તંત્ર દ્વારા બધી જ સુવિધાઓ છતાં ગતવર્ષની તુલનાએ 13 લાખ યાત્રાળુ ઓછા આવ્યા હતા. ગતવર્ષે મેળામાં રેકોર્ડ 45.54 લાખ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં.
અંબાજી મંદિરે પ્રક્ષાલનવિધિ કરાઈ
ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા મંદિર પ્રશાસન દ્વારા પ્રક્ષાલનવિધિ કરવામાં આવી. જે અંતર્ગત માતાજીનો સંપૂર્ણ શણગાર અને આભૂષણો બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરાય છે, જેને અમદાવાદનો સોની પરિવાર છેલ્લા 280 વર્ષથી નિરંતર કરે છે. સફાઈમાં ઘસારા પેટે એક સોનાની પૂતળી માતાજીના હારમાં અર્પણ કરે છે, જેથી માતાજીના દાગીનામાં કોઈ ઘટ ન પડે.
અંબાજી મંદિરમાં શનિવારે મુંબઈના શ્રદ્ધાળુએ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસના સ્થાને માતાજીના ભંડારમાં એક કિલો સોનાની લગડી માતાજીને ભેટ ધરી હતી.