રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારે મધ્યપ્રદેશ પ્રવાસે હતાં. તેમણે અહીં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલનું પૂજન-અર્ચન કર્યું હતું, તેમજ મંદિર પરિસરમાં સેવા કરી હતી. તેમની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ પણ હાજર હતા.
• ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો: સુપ્રીમ કોર્ટે સોમવારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO અને IT એક્ટ હેઠળ ગુનો હોવાનું કહ્યું. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયને ફગાવીને આ ચુકાદો સંભળાવ્યો હતો.
• વકફ બિલમાં સુધારા મુદ્દે 1.2 કરોડ સૂચનઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા વકફ બિલ અંગે સંસદીય સમિતિ સમીક્ષા કરી રહી છે, ત્યારે લોકોએ બિલના મુસદ્દાના સમર્થન અને વિરોધમાં 1.2. કરોડ ઈ-મેઇલ દ્વારા પ્રતિસાદ આપ્યો છે. સંસદીય સમિતિ વકફ સુધારા બિલના મહત્ત્વના પાસાંની સમીક્ષા કરશે.
• બેંગલુરુમાં મહિલાના 30 ટુકડા કરી ફ્રિઝમાં ભરી હત્યારો ફરારઃ બેંગલુરુમાં મહિલાની હત્યા કરી આરોપીએ લાશના 30 ટુકડા કરી ફ્રિઝમાં મૂકી ફરાર થઈ ગયો છે. અહેવાલો અનુસાર 26 વર્ષની મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને તેના પ્રેમીએ જ ફ્રિઝમાં રાખ્યા હતા.
• લાલબાગ ચા રાજાને રૂ. 5.64 કરોડનું દાનઃ ગણેશોત્સવના 11 દિવસ દરમિયાન ભક્તોએ મુંબઈના રાજા કહેવાતા 'લાલબાગચા રાજા' ને રૂ. 5,65,90,000નું દાન કર્યું.
• અમરપ્રિત ભારતીય વાયુસેનાના વડા બન્યાઃ વાયુસેનાના ટેક્ટિસ એન્ડ કોમ્બેટ ડેવલપમેન્ટ સ્ટેબલિશમેન્ટ ટેક-ડીમાં પારંગત ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઇલટનો અદભુત સંયોજન ધરાવનાર એર માર્શલ અમરપ્રિતસિંહ એરફોર્સના નવા પ્રમુખ પસંદ કરાયા છે. વાયુસેનાના નવા પ્રમુખને સુપર જિનિયસ કહેવામાં આવે છે.
• મણિપુરમાં 900 ઉગ્રવાદી ઘૂસતાં એલર્ટઃ મૈતેઈ અને કુકી સમાજ વચ્ચે ચાલતી 16 મહિનાની હિંસા દરમિયાન મ્યાનયમારથી 900થી વધુ કુકી ઉગ્રવાદીએ મણિપુરમાં ઘૂસણખોરી કરી હોવાના સમાચારે રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સર્ચ ઓપરેશનમાં મોટાપાયે હથિયાર મળ્યાં છે.
• પંજાબમાં પન્નુ સાથે સંકળાયેલાં 4 સ્થળે દરોડાઃ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના પ્રયાસના સંબંધમાં અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યું છે. આવા સમયે એનઆઇએ પન્નુ સાથે સંકળાયેલા 4 સ્થળો પર દરોડા પાડી ઉશ્કેરણીજનક સાહિત્ય જપ્ત કર્યું હતું.
• ISIS, અલકાયદાથી આતંકી હુમલાનું સંકટઃ ભારત ઇસ્લામિક સ્ટેટ (ISIS) અને અલ કાયદા સંબંધિત આતંકી જૂથોના વિવિધ પ્રકારના આતંકી હુમલાના ખતરાનો સામનો કરી રહ્યું છે. આવા સમયે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (FATF)એ તેના રિપોર્ટમાં ભારતમાં હુમલાની ચેતવણી આપી છે.
• આર.જી.કર હોસ્પિટલના ડોક્ટરોની હડતાળ પૂર્ણઃ કોલકાતા કાંડ બાદથી ધરણાં કરતા ડોક્ટરોએ અંતે કામ પર પરત ફરવાનું એલાન કર્યું છે. મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ગત 9 ઓગસ્ટથી જુનિયર રેસિડેન્ટ્સ તબીબો પ્રદર્શન કરી રહ્યા હતા.
• માલદીવે ભારતનો આભાર માન્યો: ભારત દ્વારા માલદીવને 5 કરોડ ડોલરની સહાય બદલ માલદીવે ભારતનો આભાર માન્યો છે. માલદીવના વિદેશમંત્રી મુસા જમીરે એસ. જયશંકરનો આભાર માનતાં કહ્યું હતું કે, ભારત સરકારે મદદની કરેલી જાહેરાત બંને દેશ વચ્ચેના સ્થાયી બંધનને દર્શાવે છે.
• અમે કલમ-370 મુદ્દે કોંગ્રેસની સાથેઃ પાકિસ્તાનઃ પાકિસ્તાન સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કાશ્મીર મુદ્દે ફરી લવારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમનો દેશ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 મુદ્દે કોંગ્રેસ ગઠબંધનના વલણ સાથે સહમત છે. બુધવારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.