લંડનઃ લંડનમાં રિક્ષાચાલકો ક્રેડિટ કાર્ડ મશીનમાં ડેસિમલ પોઇન્ટની હેરાફેરી કરીને પ્રવાસીઓ પાસેથી સેંકડો પાઉન્ડની લૂટ ચલાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનને મળેલી ફરિયાદો અનુસાર કેટલાક રિક્ષાચાલકોએ તો ફક્ત કેટલાક મીટરની મુસાફરી માટે પ્રવાસીઓ પાસેથી 1300 પાઉન્ડ જેવી રકમ વસૂલી હતી. તો અન્ય રીક્ષાચાલકો દ્વારા તેમની ડેકોરેટેડ પેડીકેબ્સમાં લંડનના જાણીતા સ્થળોની મુલાકાત લેનારા પ્રવાસીઓ પાસેથી બમણા ભાડાની વસૂલાત કરાઇ હતી. રીક્ષાચાલકો પર્યટકોને તેમના સરળ શિકાર માને છે.
એક મહિલા પ્રવાસીએ ફરિયાદ કરી હતી કે ફક્ત 500 વારની મુસાફરી માટે મારી પાસેથી 1300 પાઉન્ડ વસૂલી લેવાયાં હતાં. હું વેસ્ટમિન્સ્ટર એબીથી બકિંગહામ પેલેસ સુધી જ ગઇ હતી. એક અન્ય મહિલા પ્રવાસીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મેફેરથી હાઇસ્ટ્રીટ કેન્સિંગ્ટન સુધી રીક્ષામાં ગઇ હતી અને તેણે મારી પાસેથી 336 પાઉન્ડ વસૂલી લીધા હતા.